ઈતિહાસમાં પહેલીવાર પેટ્રોલ કરતા મોંઘુ થયુ ડીઝલ.
દેશમાં આજે સતત ૧૮મા દિવસે વધ્યા ડીઝલના ભાવઃ પેટ્રોલના ભાવ યથાવત રહ્યાઃ દિલ્હીમાં પહેલીવાર ડીઝલનો ભાવ પેટ્રોલ કરતા વધી ગયોઃ દિલ્હીમાં ૧ લીટર ડીઝલ ૪૮ પૈસા મોંઘુ થયું: ભાવ રૂ. ૭૯.૮૮: જ્યારે પેટ્રોલનો ભાવ છે ૭૯.૭૬: ૧૮ દિવસમાં ડીઝલના ભાવમાં રૂ. ૧૦.૪૮નો વધારો
નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં મામુલી તેજી વચ્ચે ઘરેલુ બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો ચાલુ રહ્યો છે. દિલ્હીમાં પહેલીવાર એવુ બન્યુ છે કે ડીઝલ પેટ્રોલથી મોંઘુ થઈ ગયુ છે. આજે સતત ૧૮માં દિવસે ડીઝલની કિંમતમાં વધારો થયો છે. જ્યારે પેટ્રોલનો ભાવ ગઈકાલ જેટલો જ રહ્યો છે. છેલ્લા અકિલા ૧૮ દિવસમાં ડીઝલની કિંમતમાં ૧૦.૪૮ રૂપિયાનો વધારો થયો છે. જ્યારે પેટ્રોલમાં ૮.૫૦નો વધારો લીટર દીઠ થઈ ગયો છે. બુધવાર ૨૪ જૂને સરકારી કંપનીઓએ ઈંધણોની કિંમતમાં વધારો કર્યો હતો. દિલ્હીમાં પેટ્રોલની કિંમત તો કાલના ભાવે એટલે કે ૭૯.૭૬ રૂપિયા પ્રતિ લીટર રહી પણ ડીઝલના ભાવ ૭૯.૪૦થી વધીને ૭૯.૮૮ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા જે ગઈકાલ કરતા ૪૮ પૈસા વધારે છે અને દિલ્હી તો શું આખા દેશમાં એવુ પહેલીવાર બન્યુ છે કે, ડીઝલની કિંમત પેટ્રોલ કરતા વધારે હોય. આઈઓસીની વેબસાઈટ પરથી મળેલી માહિતી અનુસાર કોલકતા, મુંબઈ અને ચેન્નઈમાં એક લીટર પેટ્રોલની કિંમત ક્રમશઃ ૮૧.૪૫, ૮૬.૫૪ અને ૮૩.૦૪ રૂપિયા છે. જ્યારે ડીઝલની કિંમત ૭૫.૦૬, ૭૮.૨૨ અને ૭૭.૧૭ રૂપિયા છે. આ પહેલા મંગળવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૨૦ પૈસાનો વધારો થતા તેના ભાવ વધીને ૭૯.૭૬ રૂપિયા પ્રતિ લીટર થયા હતા તો ડીઝલના ભાવમાં ૫૫ પૈસાનો વધારો થયો હતો અને તેના ભાવ ૭૯.૪૦ રૂપિયા પ્રતિ લીટર હતા. પેટ્રોલ ડીઝલના ભાવ તમે એસએમએસ દ્વારા પણ જાણી શકો છો.