ભાવનગર જિલ્લામાં ૧ લાખ લોકોને રોજગારી આપનાર હીરા ઉદ્યોગમાં પણ કોરોના પ્રસર્યો.
ભાવનગર શહેર અને જિલ્લામાં એક લાખ જેટલા લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આવા સંજોગોમાં છેલ્લાં ત્રણ દિવસમાં રત્ન કલાકારો અને હીરાના ઉઘોગ સાથે સંકળાયેલામાંથી સાત જેટલા પોઝિટિવ કેસ નોંધાતા હીરા ઉદ્યોગમાં ચિંતા પ્રસરી છે. લોકડાઉન સમયે સુરત અને અમદાવાદથી લગભગ ત્રણ લાખથી વધુ રત્ન કલાકારો અને તેમનો પરિવાર પોતાના વતન ભાવનગર જિલ્લામાં આવી ગયા હતા. જેમાંથી અંદાજે પચાસ ટકા લોકો પરત ગયા નથી. આ લોકો હીરામાં અથવા ચોમાસાની ઋતુ હોવાથી ખેતીના કામમાં લાગી ગયા છે.
પ્રમુખ ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ વિઠ્ઠલભાઈ મેંદપરાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી અંગે અવેરનેસ આવી ગઇ છે. છતાંય રત્નકલાકારોને સેનિટાઇઝ કરવા, માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા આવે છે. જે કારખાનામાંથી રત્નકલાકારો પોઝિટિવ આવ્યા છે. તે કારખાનામાં પ્રવેશ કરતા તમામ રત્નકલાકારોને સેનિટાઇઝ કરવામાં આવે છે. રત્ન કલાકારોના પરિવારમાં આર્થિક કટોકટી ન સર્જાય તે માટે ઓછાવત્તે અમે લોકોએ કામ શરૂ કરી દીધું છે.
સુરતમાં પણ કોરોના વાઇરસ હીરા ઉદ્યોગમાં પ્રસર્યો છે. જેથી ત્યાં ગયેલા લોકોમાં પણ ચિંતા પ્રસરી છે. ભાવનગરમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા સાત જેટલા પોઝિટિવ કેસ આવતા ફફડાટ ફેલાયો છે. હીરા ઉદ્યોગમાં સવારે યુનિટમાં પ્રવેશ સમયે સેનિટાઈઝિંગ કરવામાં આવે છે. તેમજ ગનથી ટેમ્પરેચર માપવામાં આવે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે પ્રકારે ઘંટી પર કામગીરી કરવામાં આવે તેમ છતાં કોરોના વાઇરસ પ્રસરવાનો ભય રહે છે.
અલગ અલગ વિસ્તારમાંથી રત્ન કલાકારો આવતા હોય છે અને સતત માસ્ક પહેરીને કામ કરવું અને સતત સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું તે શક્ય ન કહી શકાય. બીજી તરફ એક ઘંટી પર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ચાર કારીગરોના બદલે માત્ર બેને બેસાડવામાં આવે છે. જેને લઇને ઘણાં જ રત્ન કલાકારો બેકારીનો શિકાર બન્યા છે. સુરત બાદ ભાવનગર હીરા ઉદ્યોગમાં કોરોના પ્રસરતા રત્ન કલાકારોમાં ચિંતા પ્રસરી છે. જો કોરોનાના ભયથી કામે ન જાય તો બેકારીનો ભય અને કામે જાય તો કોરોનાનો ભય સતાવે છે. રત્ન કલાકારો માટે આગળ કુવો અને પાછળ ખાઇ જેવી સ્થિતિ છે.