વરસાદઃ તાલાલા, સાસણ, સુત્રાપાડા, વીરપુર, જૂનાગઢ અને અમરેલીમાં ધોધમાર, રાજકોટમાં ધીમીધારે વરસાદ
ગીર સોમનાથ જિલ્લાનાં તાલાલા, સાસણ અને સુત્રાપાડામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ૨ ઈંચ, વેરાવળમાં દોઢ ઈંચ અને સુત્રાપાડામાં ૧ ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાય ગયા હતા. વાવણી કર્યા બાદ વરસાદ પડતાં ખેતરમાં ઉભા પાકને જીવનદાન મળ્યું છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદથી બજારોમાં અને ખેતરોમાં પાણી ભરાય ગયા હતા. છેલ્લા ૨ દિવસથી પડી રહેલા વરસાદના કારણે કોડીનારના વેલણ ગામમાં નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકી પડી હતી. પાણીનો નિકાલ ન થતા ઘર સામે ગોઠણસમા પાણી ભરાય ગયા હતા.
હવામાન વિભાગની આહાગી મુજબ આજે રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાય ગયા હતા.
સવારથી જ અસહ્ય બફારા બાદ બપોર વચ્ચે વીરપુર પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને લઈને વીરપુરના રોડ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. કપાસ,મગફળીના વાવેલ પાક ઉપર સારો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ છે. આ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
અમરેલી જિલ્લાના ધારી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ધારી પંથકના બોરડી, સમુહખેતૂ, દલખાણીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ પડતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ ધારીના નવી વસાહત વિસ્તારમાં રહેણાંક મકાન પર વીજળી પડતા ઘરના તમામ ઈલેક્ટ્રીક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા. ગણેશ સોસાયટીમાં રહેતા નિવૃત્ત શિક્ષક દિનેશભાઈ જોશીના મકાન પર પડી વીજળી પડી હતી જો કે ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી.
ગઈકાલે જાફરાબાદ પંથકમાં વરસાદ પડતા નાગેશ્રી ગામની નદીમાં પૂર આવ્યું હતું. ત્યારે પાણીના ધસમસતા પ્રવાહમાંથી ૨ પશુઓ જોખમી રીતે બહાર આવ્યા હતા. જેને વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ધોધમાર અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. ચરખડીયા, ઓળીયા, સિમરણ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેથી સ્થાનિક નદીનાળા અને ખેતરોમાં પાણી ભરાય ગયા હતા. સારા વરસાદથી ખેડૂતોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
સામાન્ય વરસાદ પડતાં જ વેરાવળની મુખ્ય બજારોમાં પાણી ભરાય ગયા હતા. જેથી તંત્રની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખૂલી હતી. શહેરના સટ્ટા બજાર, શુભાષ રોડ અને તપેશ્વર મંદિર રોડ સહિતની મુખ્ય બજારોમાં પાણી ભરાય ગયા હતા.
ગીર સોમનાથ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડતા સોમનાથ-કોડીનાર હાઈવે પર વૃક્ષ ધરાશયી થયું હતું. નેશનલ હાઈવે ૮-ઈ પર પ્રાચી તીર્થ નજીક વૃક્ષ ધરાશયી થયું હતું. જેને લઈને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ સાથેજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગીર પંથકમાં ધોધમાર વરસાદ પડતા નાના તળાવો, નદીઓ અને ચેકડેમોમાં નવા નીરની આવક થઈ હતી. આ સાથે જ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા.