ડીસા નગર પાલિકાને અદ્યતન સેનેટાઈઝ મશીનની ભેટ
મશીન શહેરને કોરોના મુક્ત કરવા મદદરૂપ નીવડશે : ધારાસભ્ય
રખેવાળ, ડીસા
કોરોનાના કપરા સમયે સમગ્ર રાજ્યની મહા નગર પાલિકાઓ અને નગર પાલિકાઓ દ્વારા શહેરની જનતાને કોરોના મહામારીથી બચાવવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓ, એન.જી. ઓ. તેમજ ભામશાઓ દ્વારા પણ દાનની સરવાણી વહાવવામાં આવી છે ત્યારે મહારાષ્ટ્ર સ્વાધ્યાય પરિવાર દ્વારા ડીસા નગર પાલિકાને એક અતિ આધુનિક સેનેટાઈઝ મશીનની ભેટ મળી છે આ મશીનની અનેક વિશેષતા છે જેમાં ૨૪ નોજલ ધરાવતા આ મશીન ૪૦ ફૂટ પહોળા રસ્તાને ઓછા ડીઝલ ખર્ચમાં સેનેટાઈજ કરવાની ક્ષમતા ધરાવે છે આ અદ્યતન મશીન સોમવારે ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા ડીસાવાસીઓની સેવામાં શરૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકા પ્રમુખ કાંતિભાઈ સોની ,ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી , રાજુભાઇ ઠક્કર , પાલિકાના ઓ. એસ. રાજુભાઇ દેસાઈ ,દેવેન્દ્રભાઈ જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ મશીનના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા અદ્યતન મશીન આપવા બદલ સ્વાધ્યાય પરિવારનો આભાર માનવાની સાથે આ મશીન ડીસા શહેરને કોરોના મુક્ત કરવામાં મદદરૂપ થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.