વડોદરામાં ઉત્તરાયણની ખરીદી કરવા આવેલા ગોધરાના શખસનું મોત
વડોદરાના ગોત્રી રોડ ઉપર ગોધરાના શખસનો કારમાંથી મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ છે. ગોકુલ પાર્ટી પ્લોટ પાસેથી કારમાંથી મૃતદેહ મળ્યો છે. જે શખસનું મરણ થયું તે ઉત્તરાયણના પર્વને લઈ વડોદરામાં ખરીદી કરવા માટે આવ્યો હતો, પરંતુ તેને અચાનક છાતીમાં દુખાવો ઊપડતાં તે કારમાં જઈને સૂઈ ગયો હતો. એ બાદ સવારે વોક પર નીકળેલી સ્થાનિક વ્યક્તિની કાર પર નજર પડતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ઘટનાને લઈ સ્થાનિક વ્યક્તિએ હોસ્પિટલ તંત્રને જાણ કરી હતી. તો તરફ પોલીસને જાણ થતાં ઘટના પર પહોંચીને આગળની તપાસ હાથ ઘરી છે. હાલ તો હાર્ટ-એટેકની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.મળતી માહિતી અનુસાર, મૃતક ગોધરા ખાનગી હોસ્પિટલમાં કર્મચારી તરીકે નોકરી કરે છે. ઉત્તરાયણનું પર્વ હોવાથી યુવક ખરીદી કરવા માટે વડોદરા આવ્યો હતો, જ્યાં તેને અચાનક છાતીમાં દુખાવો ઊપડતાં ઈકો ગાડીમાં પાછળની સીટ પર થઈને સૂઈ ગયો હતો. જ્યાંથી પસાર થતા સ્થાનિક યુવકની નજર ગાડી પર પડતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
સ્થાનિકે જણાવ્યું હતું કે કાલની 6 વાગ્યાની આસપાસથી ગાડી પડી હતી. હું 6 વાગે વોકિંગ કરવા નીકળ્યો હતો. ત્યારે ગાડી તો જોઈ હતી, પણ અંદર માણસ છે તેના પર નજર નહોતી ગઈ. બાદમાં સવારે ગાડી પર નજર પડતાં ખ્યાલ આવ્યો કે શખસનું મૃત્યુ થઈ ચૂક્યું છે. મને લાગ્યું કે અમારા બાજુની ગાડી હતી એટલે મેં હોસ્પિટલમાં વાત કરી હતી, તેથી હોસ્પિટલનો સ્ટાફ આવી રહ્યો છે. શખસ વેજલપુરનો છે, સ્કૂલોમાં છોકરાઓને લેવા જાય છે અને સાથે હોસ્પિટલમાં નોકરી પણ કરે છે. મૃતક શખસનું નામ પ્રકાશ વિશાલ પ્રવીણચંદ્ર પટેલ છે.આ બનાવમાં તપાસ કરનાર અધિકારીઓ જણાવ્યું હતું કે આ વ્યક્તિ ગોધરાની હોવાનું સામે આવ્યું છે અને તેની ઉંમર 47 વર્ષની છે. તેના પરિવારને હાલ બોલાવવામાં આવ્યો છે અને મૃતદેહનો કબજો લઈ શહેરી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ આ મોત અંગેનું સાચું કારણ જાણી શકાશે. હાલમાં ગોત્રી પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.