અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટ પર ફ્લાવર શો અને કાઇટ ફેસ્ટિવલ જોવા માનવમેદની ઊમટી
અમદાવાદ શહેર વિવિધ ઉત્સવોની ઊજવણી માટે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી રહ્યું છે. હાલમાં શહેરમાં યોજાતા ફ્લાવર શોને ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. તે ઉપરાંત અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાતો કાઇટ ફેસ્ટિવલ દેશ વિદેશના પતંગબાજો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ બંને કાર્યક્રમને નિહાળવા માટે અમદાવાદના વિવિધ ખૂણેથી ઉપરાંત અન્ય રાજ્ય અને દેશના લોકો પણ રિવરફ્રન્ટ ખાતે પહોંચે છે. તેમાં પણ હાલમાં વિકેન્ડનો માહોલ હોવાથી અને આવતીકાલે ઉત્તરાયણ પર્વ હોવાથી અમદાવાદીઓ વેકેશનના મૂડમાં આવી ગયા છે. શનિવારે સાંજે અમદાવાદના રિવરફ્રન્ટના પશ્ચિમ ભાગમાં 3 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે.
ઉત્તરાયણ પહેલાની સાંજે અમદાવાદમાં યોજાયેલા કાઇટ ફેસ્ટિવલની મજા માણવા માટે અમદાવાદીઓ ઉપરાંત NRI લોકો પણ આવી રહ્યાં છે. લોકો પોતાની ગાડી લઈને દીવ ખાતે કાઈટ ફેસ્ટિવલ અને ફ્લાવર શોની મજા માણવા પહોંચી રહ્યા છે ત્યારે રિવરફ્રન્ટના પશ્ચિમ ભાગ પર પણ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. 2.5થી 3 કિલોમીટર લાંબા ટ્રાફિકજામમાં મુલાકાતીઓ ફસાઈ ગયા છે. અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસ પાસે કાઇટ ફેસ્ટિવલ યોજાયો છે ત્યાંથી લઇને ઉસમાનપુરા સુધી ચક્કાજામ સર્જાયો છે. અનેક લોકો ટ્રાફિકજામમાં ફસાવાને બદલે અન્ય માર્ગ પસંદ કરી રહ્યાં હોય તેમ જણાઈ રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, કાઇટ ફેસ્ટિવલમાં દર વર્ષે અનેક દેશના પતંગબાજો પતંગ ઉડાવવા આવે છે. આ અદભુત દ્રશ્ય નીહાળવા માટે અનેક શહેરીજનો કાઇટ ફેસ્ટીવલમાં પહોચે છે. આ કાઈટ ફેસ્ટીવલમાં મુલાકાતીઓને નિ શુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. તથા ફ્લાવર શોમાં વીકેન્ડમાં એટલે કે શનિવાર અને રવિવારે ₹75 ટિકિટનું ભાડું હોવા છતાં અનેક લોકો તેને નિહાળવા પહોંચે છે.