સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતગણતરીની તારીખ એક જ રાખવા હાઈકોર્ટમાં રજૂઆત, 9 ફેબ્રુઆરીએ સુનાવણી

ગુજરાત
ગુજરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મતગણતરી એક જ દિવસે થવી જોઇએ તેવી માગણી સાથે હાઇકોર્ટમાં થયેલી પિટિશનના પગલે કોર્ટે કેસને પ્રાથમિક રીતે સ્વીકારતા ઇલેક્શન કમિશન અને રાજ્ય સરકારને નોટિસ ઇશ્યુ કરી છે. ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર જે પણ જવાબ રજૂ કરવા માંગતા હોય તે સોગંદનામા પર 6 ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં રજુ કરે તેવો કોર્ટનો હુકમ છે. 9 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે.

આગામી 9 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ચૂંટણીપંચે બહાર પાડેલા પરિપત્રને હાઈકોર્ટમાં પડકારાયો છે. મહાનગરોની ચૂંટણીનાં પરિણામ બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન થાય તો મુક્ત અને ન્યાયી ચૂંટણીપ્રક્રિયા પ્રભાવિત થઈ શકે એવી અરજદારે કોર્ટમાં રજૂઆત કરી છે, સાથે જ અરજદારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીની તારીખ એક જ રાખવી જોઈએ એવી રજૂઆત કરી છે. હાઈકોર્ટ દ્વારા આગામી 9 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે.

સ્થાનિક સ્વરાજ્યની અલગ અલગ ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કર્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમે તૈયાર છીએ. વર્ષ 2015માં હાઇકોર્ટેના આદેશ બાદ પણ ભાજપના દબાણમાં મતગણતરીની અલગ અલગ તારીખ જાહેર કરી છે.ચૂંટણીપંચના આ નિર્ણયને અમે કોર્ટમાં પડકારીશું.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે, જેમાં પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા તથા પંચાયતોની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત તેમજ 81 નગરપાલિકા માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે, જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ભાજપ દ્વારા છેલ્લા દસ દિવસથી અનેક કાર્યક્રમો, ઉદઘાટનો અને નીતિવિષયક નિર્ણયો લેવામાં આવ્યા હતા. એની સાથે સાથે ભાજપ અને કૉંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તમામ જિલ્લા કલેકટરો સાથે વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, સાથે સાથે સરકારના અલગ અલગ વિભાગો સાથે પણ ચૂંટણીપંચે બેઠકો કરી છે, જેમાં કોરોના સંક્રમણ વચ્ચે ચૂંટણી યોજવાની થતી હોવાથી મતદાન મથકોએ ચૂંટણી-સ્ટાફ, પોલીસને ફેસશીલ્ડથી માંડીને સેનિટાઇઝર આપવામાં આવશે. મતદાન મથકોમાં મતદારો માટે સેનિટાઇઝરની વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેને પગલે સેનિટાઇઝર અને માસ્કની જરૂરિયાત જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની આચારસંહિતા અમલી બનતાં ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓની રજા મંજૂર નહીં કરવા અને બદલીઓ નહીં કરવા ચૂંટણી આયોગ દ્વારા આદેશ અપાયો છે. સરકારી સેવાઓમાં નવી નિમણૂકો આપી શકાશે નહીં તેમજ મતદારો પ્રભાવિત થાય એવી કોઇપણ જાહેરાત કે વચનો આપી શકાશે નહીં. નાણાકીય ગ્રાન્ટ કે એની જાહેરાત થઈ શકશે નહીં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.