કોરોના વાયરસે રાજકોટની હવાઇ સેવાને ખોરવી નાખી સ્પાઇસ જેટ-ઇન્ડિગોની તમામ ફલાઇટ તા.31મી સુધી રદ
હવે માત્ર એર ઇન્ડિયાની મુંબઇ-દિલ્હીની સપ્તાહમાં ચાર દિવસ સેવા
સમગ્ર દેશમાં પ્રસરેલી કોરોનાની લહેર એપ્રિલ માસથી વધુ ઘાતક થતા હવાઇ, ટ્રેન બસ અને પરિવહન ક્ષેત્રને મોટી અસર પડી છે. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતુ રાજકોટ પણ આમાથી બાકાત નથી. રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રની હવાઇ, ટ્રેન, બસ સેવાને માઠી અસર પડી છે. ખાસ કરીને રાજકોટ એરપોર્ટની હવાઇ સેવા ખોરવાઇ છે. કોરોના કહેરથી હવાઇ મુસાફરોની સંખ્યા ઘટતા એર લાઇન્સ કંપનીઓએ સેવા બંધ રાખવાનો નિર્ણય લીધો છે.રાજકોટ એરપોર્ટની હવાઇ સેવામાં સ્પાઇસ જેટ અને ઇન્ડિગો કંપનીએ આગામી તા.31મીમે સુધી તમામ ફલાઇટ રદ કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જયારે એર ઇન્ડિયાએ સપ્તાહમાં ચાર દિવસ રાજકોટ-મુંબઇ અને રાજકોટ-દિલ્હી ફલાઇટનું ઉડ્ડયન શરૂ રાખ્યુ છે.
રાજકોટ એરપોર્ટ કોરોનાની લહેર સુમસામ બન્યુ છે. એર ઇન્ડિયાએ સપ્તાહમાં ચાર દિવસ ફલાઇટ ઉડાડવાનો નિર્ણય લીધો છે. જેમાં સોમ, મંગળ, બુધ અને શનિવારે રાજકોટ-મુંબઇ અને રાજકોટ દિલ્હી ફલાઇટ સેવા શરૂ રહેશે.ગત માર્ચ માસના અંતિમ દિવસોમાં ઇન્ડિગો કંપનીની સેવા શરૂ થતા રાજકોટ એરપોર્ટમાં સ્પાઇસ જેટ, એર ઇન્ડિયા, ઇન્ડિગો કંપનીની મુંબઇ, દિલ્હી, હૈદરાબાદ બેંગ્લોર જેવા મેટ્રો શહેરની જોડતી હવાઇ સેવામાં મુસાફરોના જબરો ટ્રાફિક રહેતા રાજકોટ એરપોર્ટ ડેઇલી 10-12 જેટલી ફલાઇટની આવાગમનથી ધમધમી ઉઠયુ હતું.
પરંતુ એપ્રિલના પ્રથમ સપ્તાહ બાદ કોરોના સંક્રમણ વધતા દરેક હવાઇ મુસાફરોને આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ સાથે રાખવો ફરજીયાત થતા મુસાફરોની સંખ્યા-ધીમે ધીમે ઘટવા લાગી છે. એપ્રિલના અંતિમ સપ્તાહમાં મુસાફરો નહી મળતા ત્રણેય એર લાઇન્સમાં કંપનીની ફલાઇટ ધડાધડ કેન્સલ થવા લાગી હતી. આખરે સ્પાઇસ જેટ અને ઇન્ડિગો કંપનીએ તમામ ફલાઇટ આગામી તા.31મીએ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જયારે એર ઇન્ડિયાએ મુંબઇ સેવા તા.30મી મે અને દિલ્હી સેવા તા.14મી મે સુધી સપ્તાહમાં સોમ, મંગળ, બુધ, ગુરૂ, શનિવારે શરૂ રાખવા નિર્ણય લીધો છે.
સ્પાઇસ જેટની આગામી તા.8મી મેથી શરૂ થનાર રાજકોટ-ગોવા ફલાઇટ શરૂ થાય તે પહેલા જ કેન્સલ થયાનું જાણવા મળ્યું છે. મુંબઇ, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ ફલાઇટના આવાગમનથી ધમધમતુ એરપોર્ટ હાલના દિવસોમાં સુમસામ ભાસી રહ્યું છે.કોરોના કહેરની રાજકોટ હવાઇ સેવાને માઠી અસર પડી છે. સપ્તાહમાં માત્ર ચાર દિવસ એર ઇન્ડિયાની ફલાઇટનું ઉડ્ડયન શરૂ રહેશે જેમાં આ ચાર દિવસોમાં રાજકોટ-દિલ્હી બપોરે 3:10 કલાકે અને રાજકોટ મુંબઇ સાંજે 6:10 કલાકે ઉડાન ભરશે. રાજકોટ એરપોર્ટમાં મે માસમાં માત્ર એર ઇન્ડિયાની હવાઇ સેવા સપ્તાહમાં ચાર દિવસ શરૂ રહેશે. મુંબઇ-દિલ્હીની હવાઇ સેવામાં મુસાફરો માટે એર ઇન્ડિયાની ફલાઇટનો વિકલ્પ રહ્યો છે.