કોરોના : સુરતમાં અનાજ લેવા માટે લોકોની પડાપડી
રખેવાળ, સુરત
ગુજરાતમાં કોરોના પોઝિટિવનાં સૌથી વધારે કેસો અમદાવાદ, સુરત અને વડોદરામાં છે. સતત વધી રહેલાં કેસોને કારણે તંત્ર ચિંતામાં છે. તો બીજી બાજુ હજુ પણ લોકોમાં લોકડાઉનને લઈને ગંભીરતા જોવા મળી રહી નથી. આજે સુરતના પાંડેસરામાં અનાજ લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી. અને લાઈનમાં ઉભેલાં લોકો એકબીજા સાથે ધક્કામુક્કી કરતાં જોવા મળ્યા હતા.
લાગે છે કે ગરીબોમાં કોરોનાનો કહેર કરતાં ભૂખનો કહેર વધારે છે. રાશન લેવા માટે અડધા કિમી લાંબી લાઈનો લાગી હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં લાઈનમાં ઉભેલાં લોકો એકબીજાને ધક્કા મારતાં પણ જોવા મળ્યા હતા. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જોવા મળતું ન હતું. જો આવામાં એકપણ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય તો આ લાઈન એક કોરોના બોમ્બ બની જાય તેમ છે. અને એકને કારણે અનેક લોકોને કોરોનાનું સંક્રમણ લાગી શકે તેમ છે.
છેલ્લા ચાર દિવસથી સુરતમાં કોરોનાના કેસ બમણા થઈ ગયા છે. સુરતમાં કોરોના પોઝિટિવનાં ૪૫૬ કેસો છે. જો કે આટલી મોટી લાંબી લાઈન લાગવા છતાં પણ તંત્રની કોઈ હાજરી જોવા મળી ન હતી. પોલીસ તંત્ર દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. જો આ રીતે જ અનાજની દુકાનો બહાર લાંબી લાઈનો લાગશે તો કોરોના ક્યાં જઈને અટકશે? આ ભીડને કાબૂમાં લેવા માટે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે તંત્ર દ્વારા અગમચેતીનાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.