કોરોના : રાજકોટમાં ત્રણ દિવસથી શહેરમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, બોટાદમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા
રખેવાળ, રાજકોટ
રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેમજ સરકારી ક્વોરન્ટીન ફેસિલિટીમાંથી ૩૦ લોકોને રજા આપવામાં આવી છે. આ અંગે મ્યનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે માહિતી આપી હતી. છેલ્લા ત્રણ દિવસથી તમામ રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે. આથી આરોગ્ય વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં શહેરમાં પથીકાશ્રમ, ત્રિમંદિર તથા સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરન્ટીનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાંથી અત્યારે માત્ર સમરસ હોસ્ટેલમાં જ ક્વોરન્ટીન લોકોને રાખવામાં આવી રહ્યા છે. જેમાંથી ૩૦ લોકોનો ક્વોરન્ટીન પિરીયડ પૂરો થતા રજા આપવામાં આવી છે. બોટાદમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ આવતા કુલ ૩૦ કેસ થયા છે. વોરાવાડમાં રહેતા ૩૨ વર્ષનો યુવાન, ૫૪ વર્ષની મહિલા અને તુરખા ગામે રહેતા ૩૦ વર્ષના યુવાનનું સેમ્પલ લઇને પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા ત્રણેયના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ગઈકાલે તુરખા ગામે પોઝિટિવ કેસ આવ્યો હતો અને આજે જે યુવાનનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તે બંને સામે પોલીસ ફરિયાદ થઇ છે. બરવાળાના પોઝિટિવ આવેલા દર્દીને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બોટાદમાં ૩૦ કેસમાંથી ૧નું મોત, ૩ ડિસ્ચાર્જ અને એક ભાવનગરમાં સારવાર હેઠળ છે.
રાજકોટના પ્રવેશ માર્ગો પર મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. ૪૮ નાના-મોટા માર્ગો ઉપર ચોકીઓ પર પેરામેડિકલ સ્ટાફ તૈનાત રહેશે. વાહનોમાં આવતા પ્રવાસીઓનું ચેકીંગ કરવામાં આવશે. લક્ષણો જણાય તો આઇસોલેટ કરી સેમ્પલ લેવામાં આવશે. ૪મેથી ૧૭ મે સુધીના લોકડાઉનમાં જિલ્લાની સરહદો ખોલવાની છૂટછાટ લઇને નિર્ણય લેવામાં આવ્યો છે.