કોરોના : ગુજરાતમાં ધંધા-રોજગાર શરૂ કરવા અંગે લેવાઈ શકે છે નિર્ણય, સાંજે મળશે કોર કમીટીની બેઠક
રખેવાળ, અમદાવાદ.
ગાંધીનગરમાં નવા સાત, ભાવનગરમાં ૫ અને બોપલમાં બે કેસ નોંધાયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં રાજ્યમાં ૪૭૩૫ પોઝિટિવ કેસ નોંધાયા છે અને ૨૩૬ દર્દીઓના મૃત્યુ થયા છે. જોકે રાહતના સમાચાર એ પણ છેકે અત્યારસુધીમાં ૭૩૬ દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. કોરોનાના સંક્રમણને અટકાવવા સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે અને તેથી જ દેશભરમાં લોકડાઉનને વધુ ૧૪ દિવસ વધારવામાં આવ્યું છે. તેવામાં ઉદ્યોગ ધંધા રોજગાર શરૂ કરવા ગુજરાત સરકાર પર દબાણ વધી રહ્યું છે. આ સંજોગોમાં ગુજરાત સરકારની આજે સાંજે મળનારી કોર કમીટીની બેઠકમાં લોક ડાઉન, રેડ અને ઓરેન્જ ઝોન ઉપરાંત ધંધા રોજગાર શરૂ કરવા કે નહીં અને કરવા તો કેવી રીતે કરવા તે અંગેની ચર્ચા કરવામાં આવશે, કેન્દ્રના ગૃહ મંત્રાલયની ગાઇડ લાઈન મુજબ કેવી રીતે ધંધા રોજગાર શરૂ કરવા તેનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
દીવમાં ફસાયેલા મહારાષ્ટ્રના ૨ હજાર માછીમારોને ૧૦ જેટલી બોટ મારફતે વતન મોકલવામાં આવ્યા છે. તમામ માછીમારોનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું છે તથા બોટને પણ સેનિટાઇઝ કરવામાં આવી છે. માછીમારોએ તંત્રનો આભાર માન્યો હતો.
લૉકડાઉન લાગુ થયાને ઘણો સમય વીતી ગયો હોવાથી હાલમાં લોકોની હાલત કફોડી થવા પામી છે. લોકોની ધીરજ ખૂટી જતાં પરપ્રાંતથી સુરત આવેલા શ્રમિકો હવે કોરોનાથી જાણે હારી ગયા હોય તેમ વતન જવા દોટ લગાવી રહ્યા છે. હજારોની સંખ્યામાં અન્ય રાજ્યોમાં જવા શ્રમિકો બસોમાં રવાના થઈ રહ્યા છે. સેવાભાવી સંસ્થાઓની સેવા પણ સમય જતાં ઓછી થતાં શ્રમિક પરિવાર પોતાના વતન જઈ રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું. પાંડેસરા વડોદ રોડ ઉપરથી બસો ઉપડવાના સમય કરતાં કલાકો પહેલાથી જ આ પરિવારો લાઈન લગાવીને વતન જવા ભેગા થયા હતા. પાંડેસરા પોલીસ દ્વારા તેઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આયોજનબદ્ધ રીતે મોકલવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, આજે ગુજરાત સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ રાજ્યના સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારના હિતોને ધ્યાનમાં રાખીને બે મહત્વની જાહેરાત કરી છે. મે મહિનામાં એપીએલ-૧ના ૬૧ લાખ જેટલા પરિવારોને મફત અનાજ વિતરણ કરવામાં આવશે. બીજી એક જાહેરાતમાં મા વાત્સલ્ય અને મા અમૃતમના લાભાર્થીઓને કોઇ ઓપરેશન કરાવવું હોય કે ડિલિવરીનો પ્રસંગ હોય ત્યારે મા અમૃતમ અને મા વાત્સલ્યની હોસ્પિટલમાં જશે તો તેમને કોરોનાનો ટેસ્ટ કરવાનો થશે તો તેનો ખર્ચ મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજના હેઠળ મળશે. રાજ્ય ૭૭ લાખ કુંટુંબોને લાભ મળશે.