કોરોના : દેશમાં કોરોનાના ૧૦ હજાર કેસ માત્ર અમદાવાદ અને મુંબઈમાં, ગુરુવારે દેશભરમાં નવા ૧૮૩૧ દર્દી મળ્યા
નવી દિલ્હી.
લૉકડાઉનનો બીજો તબક્કો પૂરો થવામાં માત્ર ત્રણ દિવસ બચ્યા છે. પરંતુ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૩૪૬૬૧ થઈ ગઈ છે. ગુરુવારે દેશભરમાં નવા ૧૮૩૧ દર્દી મળ્યા હતા. સૌથી વધુ સંક્રમિત ધરાવતું રાજ્ય મહારાષ્ટ્ર છે ત્યાં આ આંકડો ૧૦ હજારને પાર થઈ ગયો છે. ગુરુવારે ૫૮૩ નવા કેસની સાથે મહારાષ્ટ્રમાં આ આંકડો ૧૦૪૯૮ પર પહોંચ્યો છે. સંક્રમણની રીતે અત્યંત ખરાબ રીતે અસરગ્રસ્ત શહેરોની વાત કરીએ તો મુંબઈ પ્રથમ અને અમદાવાદ બીજા ક્રમે છે. બંને શહેરોમાં લગભગ ૧૦ હજાર લોકો સંક્રમિત છે જે રાષ્ટ્રીય આંકડાનો ત્રીજો ભાગ જેટલો હિસ્સો છે. મુંબઈમાં ૨૯૦ કેસો સાથે કુલ ૬૮૭૫ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તો અમદાવાદમાં ગુરુવારે મળેલા ૨૪૯ નવા કેસ સાથે આંકડો ૩૦૨૬ પર પહોંચ્યો છે. ગુરુવારે ગુજરાતમાં ૩૧૩, રાજસ્થાનમાં ૧૬૩, તમિલનાડુમાં ૧૬૧, દિલ્હીમાં ૧૨૫ અને આંધ્રપ્રદેશમાં ૭૧ દર્દી મળ્યા હતા. પંજાબમાં સંક્રમિતોની સંખ્યા એકાએક વધવા માંડી છે. અહીં થોડા સમય પહેલાં મહારાષ્ટ્રના નાંદેડથી ૩૫૨૫ શ્રદ્ધાળુ પરત ફર્યા છે. આ કારણે અહીં નવા કેસ વધી રહ્યા છે. ગુરુવારે પંજાબમાં ૧૬૩ કેસ નવા મળ્યા. જેમાંથી માત્ર ૭૬ કેસ અમૃતસરમાંથી મળ્યા હતા.બીજીબાજુ સીઆરપીએફની દિલ્હી સ્થિત બટાલિયનમાં વધુ છ જવાન પોઝિટિવ મળ્યા છે.