ગુજરાત રાજ્યમાં કુલ ૮૫૪૪ કેસ અને મૃત્યુઆંક ૫૦૦ને પાર, ૧૩૯ વિદ્યાર્થીઓ મનિલાથી અમદાવાદ પહોંચ્યા
ગાંધીનગર : ભાવનગરના વધુ બે પોઝટિવિ કેસ સાથે રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૮૫૪૪ થઇ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫૧૩ છે. રાજ્યમાં અત્યારસુધીમાં ૨૭૮૦ દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ વિમાની સેવા દ્વારા ભારત પરત લાવવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે મનિલામાં ફસાયેલા ગુજરાતના ૧૩૯ વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા.
૧૧ મેની સાંજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા આપવામાં આવેલી કોરોનાની અપડેટ વિગતો અનુસાર ૧૦ મેની સાંજથી ૧૧ મેની સાંજ સુધી રાજ્યમાં ૩૪૭ નવા કેસ નોંધાયા હતા અને ૨૦ દર્દીના મોત થયા હતા. તેમજ ૨૩૫ દર્દી સાજા થયા હતા. નોંધનીય છેકે કેસમાં ઘટાડો થવાની સાથે સાથે ટેસ્ટિંગ પણ ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨,૯૭૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે. એક સમયે રાજ્યમાં ૫૦૦૦થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં હતા.