જૂનાગઢ શહેરમાંથી પસાર થતા વોકળાને ઊંડો ઉતારવાની કામગીરીનો પ્રારંભ
ચોમાસા દરમિયાન જૂનાગઢમાં પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ સ્થિતિ માટે કુદરતીની સાથે સાથે કુત્રિમ કારણો પણ તેટલા જ કારણભૂત હોવાનું સામે આવ્યું હતું. શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે જે વોકળા છે તેના પર આડેધડ દબાણો હોવાના કારણે પાણીનો નિકાલ ન થઈ શકતા શહેરીજનોએ આફતનો સામનો કરવો પડ્યો હતો. જે તે સમયે ખૂબ હોબાળો થતા મનપા દ્વારા વોકળાની સફાઈની અને દબાણો દૂર કરવાની ખાતરી આપવામાં આવી હતી. જે કામગીરીનો હવે પ્રારંભ થયો છે. જો કે, હાલ વોકળાને ઊંડો ઉતારવાની કામગીરી શરૂ થઈ છે. જ્યારે દબાણો દૂર ન કરાતા શહેરીજનો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.જૂનાગઢમાં ચોમાસા દરમિયાન પૂર આવ્યાના થોડા દિવસો બાદ જ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા.ત્યારે શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે વોંકળા બાબતે જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લા તંત્રને ઠપકો આપીને કહ્યું હતું કે વહેલી તકે વોંકળા પરના ગેરકાયદેસર બાંધકામો દૂર કરો અને તાત્કાલિક કામગીરી કરો. જુનાગઢ ની જનતાને હેરાન થવાનો વારો ન આવે.
પરંતુ 4 મહિનાનો સમય વીતવા છતાં પણ વોંકળા પર ગેરકાયદેસર થયેલા બાંધકામોની એક કાકરી પણ હલી નથી. ત્યારે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આજે અચાનક જ વોંકળાને ઊંડો ઉતારવાની કામગીરીનું શ્રીફળ વધેરી મુહૂર્ત કરવામાં આવ્યું છે. જૂનાગઢના મેયર, કમિશનર, ડેપ્યુટી મેયર, એન્જિનિયરો શ્રીફળ વધેરી આ કામગીરીના શ્રી ગણેશ કર્યા હતાઅને ધોળકિયા એનજીઓને વોંકળો ઊંડો ઉતારવાની કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે લોકો કહી રહ્યા છે કે આવતીકાલે 26મી જાન્યુઆરીના દિવસે મુખ્યમંત્રી જુનાગઢ આવવાના છે. ત્યારે ફરી તંત્રને ઠપકો સાંભળવો ન પડે અને કોઈ કામગીરી બતાવી શકે માટે રાતોરાત વોંકળા ઊંડો ઉતારવાનું યાદ આવ્યું છે.ત્યારે થોડો સમય પહેલા જ મોતીબાગ કાળવાથી નીકળતા વોંકળામાં મહાનગરપાલિકા દ્વારા સાફ-સફાઈ કરી વોકળા પર લેવલ કરવામાં આવ્યું હતું અને આજે વોંકળો ઊંડો ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે તેવું જૂનાગઢની જનતા જણાવી રહી છે.તો બીજી તરફ ધોળકિયા એનજીઓના કનક પટેલે જણાવ્યું હતું કે જુનાગઢ મહાનગરપાલિકાએ તો અમને આમંત્રણ આપ્યું છે.કારણ કે અમે જે સરોવરના કામ કરીએ છીએ. તે મહાનગરપાલિકાને પસંદ આવ્યું હતું. અમને કહ્યું હતું કે જે તમે કામ કરો છો તે વોંકળા માટે અમારે પણ કરવું છે. અને સરકારની પણ એવી ઈચ્છા હતી કે ધોળકિયા ફાઉન્ડેશન એક પાયલોટ પ્રોજેક્ટ જેવો ડેમો બનાવે. ત્યારે આ વોંકળામાં પેલા તો 500 મીટરનું કામ કરીશું. અમે પણ પ્લાન કરીએ છીએ કે કેવી માટી નીકળશે.અને શું થશે અહીંયા. મહાનગરપાલિકાએ તો અહીં કામ શરૂ કરાવ્યું.પરંતુ આ જગ્યા પર પાણીની ગટર લાઈન જ એટલી છે કે કામ મુશ્કેલ છે.મનપા પાસેથી એક પણ રૂપિયો અમે લીધો નથી.