ગુજરાતમાં ઠંડી પડવાની થઈ શરૂઆત, આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે
હવામાન વિભાગે રાજયમાં ઠંડીને લઈ આગાહી કરી છે જેમાં આગામી દિવસોમાં ઠંડી વધશે જેમાં આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ ત્રણ દિવસ બાદ 2 થી 3 ડીગ્રીનો ઘટાડો થશે સાથે સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેશે અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં તાપમાનમાં ઘટાડો થશે તો પવનની દિશા બદલાતા ઠંડીનો અનુભવ થશે.
જાણો કયાં કેટલું તાપમાન છે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી જે તાપમાન સામાન્ય કરતા 1.3 ડિગ્રી વધારે છે તો લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું છે જે 1.8 ડિગ્રીથી વધારે છે,રાજ્યમાં સૌથી ઓછું તાપમાન 14.8 ડિગ્રી ગાંધીનગરમાં નોંધાયું છે.પવનની દિશા ઉત્તર પૂર્વ છે જે દિશા બાદલાતા ઠંડીનો અનુભવ થશે.
પશ્ચિમી વિક્ષોભ મજબૂત નથી
આજે વધુ એક પશ્ચિમી વિક્ષોભ ઉત્તરના પહાડો પર ત્રાટકશે. આ વખતે હજુ સુધી કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવ્યું નથી. આવી સ્થિતિમાં, તાપમાન તેના સ્તર પર રહે છે, જે ઠંડીના આગમનને અટકાવે છે. અગાઉના વર્ષોમાં 15 નવેમ્બર પહેલા પશ્ચિમી વિક્ષોભ બે-ત્રણ વખત આવતો હતો અને તાપમાનમાં ઘટાડો થતો હતો.બંગાળની ખાડીમાંથી સર્જાયેલા ઓછા દબાણને કારણે આંધ્રપ્રદેશથી તેલંગાણા તરફ ભેજનો પ્રવાહ ચાલુ છે. તેની અસર ઓડિશા અને છત્તીસગઢમાં પણ જોવા મળી શકે છે.
અમદાવાદમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો
રાજ્યમાં ઘટતા તાપમાનની સાથે અમદાવાદ શહેરમાં પણ તાપમાન નીચું જઈ રહ્યું છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે, બપોરના સમયે હજી પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે, એકંદરે તાપમાનમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી નજીવી રાહત મળી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો ચમકારો વર્તાવવા લાગ્યો છે.
ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહીં : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે,23 નવેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે અને હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે તો માર્ચ સુધી હવામાનમાં પલટા આવ્યા કરશે તો માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે તેવી પણ શકયતાઓ દેખાઈ રહી છે.ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નથી તો હાલ વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે છે.બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશન બનશે અને તેના કારણે ચક્રવાત આવવાની પણ શકયતાઓ દેખાઈ રહી છે.