કચ્છમાં ઠંડીનું જોર યથાવત : શિયાળાની જમાવટ જામી
અરબ સાગરના કાંઠે વસેલા સરહદી કચ્છ જિલ્લામાં નવા વર્ષના પ્રારંભથી તાપમાનનો લઘુતમ પારો સતત નીચે સરકી રહ્યો છે, જેને લઇ શિયાળાના માહોલની જમાવટ જામી છે. તો ડંખિલા પવનની હાજરીએ ઠંડીનું જોર વધારી દેતા જનજીવન ઠુઠવાયું છે. જિલ્લાની પશ્વિમ છેવાડે આવેલા નલિયાની વાત કરવામાં આવે તો નાલિયાનું લઘુતમ તાપમાન 6.4 ડિગ્રીએ નોંધાવા પામ્યું છે, જ્યારે જિલ્લા મથક ભુજમાં લઘુતમ પારો 12 ડિગ્રી આસપાસ સ્થિર નોંધાઈ રહ્યો છે. શિત લહેરના પગલે લોકોને દિવસે પણ ગરમ વસ્ત્રોમાં જકડાઈ રહેવું પડી રહ્યું છે.
ભૌગોલિક પરિસ્થિતિના કારણે અબડાસા તાલુકાનું વડું નલિયા જિલ્લામાં સૌથી ઠંડુ મથક બની રહ્યું છે. તો પાડોશી લખપત તાલુકામાં પણ ઠંડીની અસર સમાંતર વર્તાઈ રહી છે. છેલ્લા બે સપ્તાહથી વિષેશ ઠંડીમાં થર થર કાંપતા નળિયાંના માહોલ વિશે સ્થાનિક વેપારી રાજેશ મૉતાએ કહ્યું હતું કે દર વર્ષની જેમ અત્યારે શિયાળો અસલ મિજાજમાં આવતા જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. લોકો સવારે મોડા જાગી રહ્યા છે અને સાંજ પડતાજ ઘરની વાટ પકડી લેતા બજારો સાંજે વહેલી બંધ થઈ જાય છે. રહેવાસીઓ ગલી મહોલ્લામાં તાપડું સળગાવી ઠંડીની મજા માણી રહ્યા છે જેનો લાભ અબોલ પશુઓ ઠંડીથી રાહત મેળવવા કરી રહ્યા છે.