સુરતમાં કોરોનાને કાબૂમાં લેવા યોજાયેલી CM રૂપાણીની બેઠક પૂર્ણ, શહેરને વધુ ૨૦૦ વેન્ટિલેટર ફાળવાયા.

ગુજરાત
ગુજરાત

કોરોના બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ સુરતની મુલાકાતે આવ્યા છે. કલેક્ટર કચેરી ખાતે મનપા કમિશનર, અધિકારી, ધારાસભ્યો અને સરકારી હોસ્પિટલના અધિકારી-ડોક્ટરો સાથે બેઠક યોજી હતી. જેમાં કોરોનોના વધતા કેસનો કાબૂમાં લેવા માટે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક અંગે સાંસદ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રી દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. કોરાનાને લઈને ચાલતી કામગીરી કેવી રીતે સરળ કરી શકાય તે અંગે સુચનો કર્યા છે. આ સાથે વધુ ૨૦૦ વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે, જે સાંજ સુધીમાં સુરત પહોંચી જશે.

બેઠક અંગે સાંસદ સીઆર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આજે સુરતમાં જરૂરથી પણ વધુ બેડ ઉપલબ્ધ છે અને હજુ વધુ બેડ મળે તેના માટે પ્રયત્ન ચાલુ છે. ધારાસભ્યોની માંગણી હતી કે દર્દીની સ્થિતી શું છે તેના સગાસંબંધીઓને વાત થઈ શકે તે માટે હોસ્પિટલની બહાર એક ડોમ બનાવી તેની વાત કરી શકે તેની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. અઠવાડિયામાં સાંસદ અને ધારાસભ્ય સાથે પાલિકા કમિશનર અને કલેક્ટર સાથે બેઠક કરવા સૂચના આપી છે. જેથી પ્રતિનિધીઓ પાસે આવતી ફરિયાદોનું નિરાકરણ અને અધિકારીઓ દ્વારા આપવામાં આવતી માહિતી આપલે થાય તે અંગે સૂચના આપી છે.

બેઠક અંગે સાંસદ સીઆર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના માટેના જરૂરી ઇન્જેક્શન માટે મુખ્યમંત્રીએ સૂચના આપી છે. આ ઈન્જેક્શન આપણા દેશમાં બનતા નથી. બહારથી મંગાવવામાં પડે છે. ઓથોરિટી ડોક્ટર લખીને આપે તો પણ આ ઈન્જેક્શન રૂપિયા આપીને પણ મળી જાય એ માટે પણ રજૂઆત કરી હતી. સિવિલ કે સ્મીમેરમાં આ ઈન્જેક્શનની જરૂરિયાતમંદને મળે તે માટે પ્રયત્ન કર્યા છે.

મુખ્ય સચિવ કે. કૈલાસનાથન અને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ આ બેઠકમાં સામેલ રહ્યાં છે. આ ઉપરાંત સુરત પાલિકા કમિશર, વિવિધ ૧૨ ધારાસભ્યો, આરોગ્ય કમિશનર, સરકારી હોસ્પિટલોના ડીન, સુપ્રીટેન્ડન્ટ, ડોક્ટરો પણ પહોંચ્યા છે. તમામ લોકો સુરતની બગડતી જતી પરિસ્થિતિની સમીક્ષા હાથ ધરાઈ છે.

અમદાવાદ પછી સુરતમાં પણ કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ખાસ કરીને વરાછા અને કતારગામમાં હીરા એકમોને ખુલી છુટ આપી દેતા પરિસ્થિતિ પણ ખુબ જ ગંભીર બની છે. આ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ હીરા એકમોમાં પાલન થતું ન હોય તેવા કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં ૫૯૬૭ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.કુલ ૨૨૦ લોકો જાન ગુમાવી ચુક્યા છે. જ્યારે ૩૬૩૫ લોકો સાજા થઈ ઘરે ગયા છે.

હાલ ૨૧૧૨ લોકો કોરોના સામે જંગ લડી રહ્યા છે. તંત્રની વ્યવસ્થાની વાત કરીએ તો તમામ ખાનગી હોસ્પિટલો મળીને ફુલ ૨૧૮૬ બેડ છે જેમાંથી ૪૮૫ બેડ ફૂલ છે જ્યારે ૧૭૦૧ બેડ ખાલી છે. સિવિલ હોસ્પિટલ અને કોવિડ હોસ્પિટલ મળી કુલ ૫૫૦ બેડ છે જે પૈકી ૩૨૧ બેડ પર દર્દીઓ છે. સ્મીમેર હોસ્પિટલમાં કુલ ૭૫૭ બેડ છે જેમાંથી ૫૮૭ બેડ ફૂલ છે જ્યારે ૧૮૦ બેડ ખાલી છે. છેલ્લા પાંચ દિવસથી તો સુરત શહેર તેમજ જીલ્લા મળી રોજના ૨૦૦થી ઉપર કેસો આવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.