છઠ્ઠા માળેથી પટકાયેલા બે મજૂરના CCTV સામે આવ્યા

ગુજરાત
ગુજરાત

અમદાવાદમાં બુધવારે સવારે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એસ્પાયર-2 નામની બાંધકામ સાઈટ પર 13મા માળેથી માંચડો તૂટી પડતાં આઠ શ્રમિક નીચે પટકાયા હતા, જેમાં સાતનાં મોત થયાં હતાં અને એકને ગંભીર ઈજા પહોંચી હતી. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, બિલ્ડિંગના 13મા માળે સ્લેબ પર લિફ્ટ બનાવવા માટેનું કામ આઠ શ્રમિક કરી રહ્યા હતા. આ કામ દરમિયાન 13મા માળનો માંચડો ભારે વજનને કારણે તૂટ્યો હતો. જેમાં છઠ્ઠા માળેથી પટકાયેલા બે મજૂરના CCTV સામે આવ્યા છે. જેમાંથી એકનું મોત થઈ ગયું છે જ્યારે એક મજૂરને ઈજા થઈ છે.

સાઈટ પર કામ કરી રહેલા એક શ્રમિકના જણાવ્યા પ્રમાણે, જ્યારે કામ ચાલી રહ્યું હતું ત્યારે માંચડો તૂટતાં કુલ આઠ લોકો પડ્યા હતા, જેમાંથી બે વ્યક્તિ ઉપરથી નીચે પડી હતી, બાકીના 6 શ્રમિક બેઝમેન્ટમાં પડ્યા હતા. તેમને આસપાસની બિલ્ડિંગના લોકોએ રેસ્ક્યૂ કર્યા હતા. શરૂઆતમાં 2 લોકોને એમ્બ્યુલન્સમાં મોકલ્યા હતા. 15 મિનિટ બાદ અન્ય 4 વ્યક્તિને મોકલાઈ હતી. એ ઉપરાંત બે જણા બેઝમેન્ટમાં ફસાયા હોવાની ખબર પડતાં તેમને બહાર કાઢ્યા હતા. પંપથી બેઝમેન્ટમાં ભરાયેલું પાણી બહાર કાઢ્યું ત્યારે વધુ 2 મજૂર મળ્યા હતા. તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. એમ કુલ 8 મજૂરને બહાર કાઢ્યા હતા.

આ મામલે પોલીસે સાઅપરાધ માનવવધનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે કોન્ટ્રાક્ટર સૌરભ કમલેશકુમાર શાહ, પેટા કોન્ટ્રાક્ટર દિનેશકુમાર મણીલાલ પ્રજાપતિ તથા નેમિષ કિરીટભાઈ પટેલ સામે સાઅપરાધન મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. ત્રણેય આરોપીની અટકાયત કરીને તેમની વિરુદ્ધ કલમ 304, 114 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ કેસની તપાસમાં મજૂરોને કોઇપણ પ્રકારના સેફ્ટીગિયર આપ્યા વગર અને 14 માળ જેટલું બાંધકામ હોવા છતાં સીડીના ભાગે તેમજ લિફ્ટના પેસેજમાં દરેક ફ્લોર ઉપર મજબૂત પ્લેટફોર્મ બનાવ્યું ન હોવાનું સામે આવ્યું છે. અન્ય કોઇ સેફ્ટીનેટ જેવી વ્યવસ્થા રાખી હોત તો મજૂરોને આટલી ઊંચાઇએથી નીચે પટકાતા અટકાવી શકાયા હોત. તેમ છતાં આવી વ્યવસ્થા ન કરીને મજૂરોના જીવ જોખમમાં મૂકી ગંભીર બેદરકારી દાખવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.