બોગસ કોલલેટર કૌભાંડ સૌરાષ્ટ્રમાં 99 લાખની છેતરપિંડીમાં કડીના એક સહિત ત્રણ ઠગ ઝડપાયા
સૌરાષ્ટ્રમાં બેરોજગારોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ખોટા નિમણૂંક પત્રો પકડાવી રૂ.99 લાખની છેતરપિંડી આચરનારા પ્રાચી, જુનાગઢ અને કડીના ત્રણ શખ્સોને ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચે પકડી વધુ તપાસ હાથ ધરી છે.
ઘંટીયા ગામે જયોતિબા ફુલે એકેડમીમાં કાનજીભાઇ વાળા દોઢ વર્ષ પહેલાં પૂછપરછ માટે ગયા હતા ત્યારે જેઠા ઉર્ફે સુભાષે પોતે આરોગ્ય ખાતામાં નોકરી કરતો હોઇ અને જયોતિબા ફુલે એકેડમીનો પ્રમુખ હોવાની વાત કરી કાનજીભાઈની પુત્રીને સરકારી નોકરી અપાવી દઇશ એવું કહી પોતાના મોબાઇલ ફોનમાં પોલીસની દોડની પરીક્ષામાં નાપાસ થયેલ યુવતીનો પાસ થયેલો સિક્કાવાળો લેટર બતાવી વિશ્વાસમાં લઇ પ્રથમ રૂ.6 લાખની માગણી કરી હતી. 3 લાખમાં નક્કી કરી 1 લાખ કાનજીભાઈ પાસેથી તેમજ તેમના સગા સબંધીના અન્ય 5 યુવાનો પાસેથી કુલ રૂ.7 લાખ મેળવી લીધા હતા.
આ પછી ગત 21 માર્ચના રોજ વેરીફીકેશન માટે ગાંધીનગરમાં ડો.જીવરાજ મહેતા, કર્મયોગી ભવનમાં જવાનું કહી તમામને ગાંધીનગર લઇ જવામાં આવ્યા હતા અને સચિવાલય સેવા કારકુન, સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ સંવર્ગ-3ની ભરતીના લેટર આપ્યા હતા. બાદમાં જુનાગઢ કલેક્ટર ઓફિસ મહેસુલ વિભાગનો નિમણૂંક પત્ર આપી જુનાગઢ કલેક્ટર ઓફિસમાં તમામને લઇ ગયા હતા અને ચૌહાણ સાહેબને નિમણૂંક પત્રો આપી દેવાનું કહી ત્યાં તમામને ઉભા રાખી જતા રહ્યા હતા અને બાદમાં ફોનમાં બહાના બતાવવા લાગ્યા હતા. જેના પગલે કાનજીભાઈ વાળાએ સુત્રાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન, આ બોગસ કોલલેટર કૌભાંડમાં ગીર સોમનાથ એલસીબી, એસઓજી સહિતની ટીમોએ સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચીના જેઠાભાઇ ઉર્ફે સુભાષ બચુભાઇ ચુડાસમા (35), જુનાગઢમાં મંગલધામ સોસાયટીમાં રહેતા એક્સ આર્મીમેન હરસુખલાલ પુનાભાઇ ચૌહાણ (55) અને કડી ખાતે ગાર્ડનવિલા બ્લોક નં.125માં રહેતા નિલકંઠ જયંતિલાલ પટેલ ઉર્ફે પિન્ટુ પટેલ (45)ની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.