ફતેપુરાના જલાઈમાં તળાવમાં માછીમારી કરવા ગયેલા યુવકોની હોડી પલટી : એકનું મોત
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના જલાઈ ગામે તળાવમાંથી માછલીઓ કાઢવા માટે બિહારથી ટુકડી આવી હતી જે તેમના નિત્યક્રમ મુજબ માછલીઓ કાઢવાની કામગીરી કરતી હતી. કામગીરીના ભાગરૂપે એક હોડીમાં પાંચ યુવકો સવાર થઈને આ કાઠેથી પેલા કાઠે માછલીઓ મુકવા જવાનું કામ કરતા હતા તે વખતે બુધવારના રોજ સાંજના પાંચ વાગ્યાના સમયે એક કાંઠે માછલીઓ ખાલી કરીને પરત તળાવના બીજે કાંઠે જઈ રહ્યા હતા તે વખતે તળાવની વચ્ચોવચ હોડી એ સંતુલન ગુમાવતા પાંચેય યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેમાંથી ચાર યુવકોનો ચમત્કારિક બચાવ થયો હતો જ્યારે એક 19 વર્ષીય બિહાર રાજ્યના સીતામડી નો બલબેન્દ્ર કુમાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
આજુબાજુના લોકોને ઘટનાની જાણ થતા તાત્કાલિક લોકટોળા તળાવની પાળે ઊમટી પડ્યા હતા અને સ્થાનિકોએ તેમજ બિહારની ટુકડીના લોકોએ પાણીમાં ગરકાવ થયેલા યુવકને શોધવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ બુધવારે રાત સુધી આ યુવકનો કોઈ પત્તો મળી આવ્યો ન હતો જેથી ગુરૂવારના રોજ ફતેપુરા પોલીસમાં આ બાબતે જાણ કરવામાં આવી હતી ફતેપુરા પોલીસે તાત્કાલિક ઘટનાની ગંભીરતા ને સમજીને ઝાલોદથી ફાયર બ્રિગેડ બોલાવીને ફાયર બ્રિગેડ દ્વારા પણ યુવકની તપાસ હાથ ધરાવી હતી, પરંતુ મોડે સુધી તપાસ કરવા છતાં પણ આ યુવકનો પત્તો મળી આવ્યો ન હતો અને ફાયર બ્રિગેડ ની ટીમ પરત ફરી હતી.ત્યારે શુક્રવારના રોજ વહેલી સવારથી જ ગામ લોકોએ તેમજ બિહારની ટુકડી આ યુવકને શોધવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ શુક્રવારે મોડી રાત સુધી પણ આ યુવકનો પત્તો મળી આવ્યો ન હતો. ત્યારે આજે શનિવારના રોજ ઝાલોદથી ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામા આવી હતી, ફાયરની ટીમ દ્વારા તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થયેલા આ યુવકને શોધીને બહાર કાઢવામા આવ્યો હતો, યુવકના મૃતદેહને હાલ ફતેપુરા સરકારી દવાખાને લઈ જવામા આવ્યો છે, ફતેપુરા પોલીસે અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી તપા હાથ ધરી છે.