ભાજપની આબરૂ ડૂબાડી, વાવ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ નકલી નોટો સાથે ઝડપાયા
રૂપિયા ૭.૬૮લાખની નકલી નોટો સાથે બે ઈસમોને બનાસકાંઠા એસઓજી પોલીસે ઝડપ્યા
બનાસકાંઠા એસઓજી પોલીસે ગત રાત્રે પાલનપુર ડીસા હાઈવે પર ચડોતર પાસે વાવ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ સહીત બે શખ્સોને રૂપિયા ૭.૬૮લાખની ૨૦૦૦ના દરની ૩૮૪ નકલી નોટો સાથે ઝડપી લેતાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.
સરહદી રેન્જ ભુજના સુભાષ ત્રિવેદીતરફથી નકલી નોટોના બનાવો બનતા અટકાવવા તેમજ તેને શોધી કાઢવા આપેલ સૂચના અંતર્ગત બનાસકાંઠા પોલીસ અધિક્ષક તરુણકુમાર દુગ્ગલના માર્ગદર્શન મુજબ એસઓજીના પોલીસ ઇન્સપેક્ટર જે.બી. અગ્રાવત તથા પો.સ.ઇ.એન.એન.પરમાર તથા કાન્તિલાલ, કલ્યાણસિંહ, વિનોદભાઈ, વનરાજસિંહ, જીતેન્દ્રભાઈ, નરભેરામ, દલપતસિંહ તમામ એસ.ઓ.જી.ટીમને બાતમી મળેલ કે એક સફેદ કલરની બલેનો ગાડી નં.જીજે.૦૮.બીએસ.૧૯૩૮ અંબાજીથી નીકળી પાલનપુર થઈ પોતાના વતન તરફ જાય છે અને આ ગાડીમાં રૂપિયા ૨૦૦૦ના દરની બનાવટી ચલણી નોટો છે. જે હકીકત આધારે ગાડીને ચડોતર બ્રિજ પાસે ઉભી રાખવી તપાસ કરતા રૂપિયા ૨૦૦૦ના દરની કુલ ૩૮૪ નોટો જેની કિ. રૂ.૭,૬૮,૦૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૮,૧૨,૬૦૦ ના મુદ્દામાલ સાથે હમીરભાઈ પુનમભાઈ પટેલ(કાગ) રહે.કુવાતા તા.દિયોદર અને વાવ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ રામાભાઈ અમરાભાઈ પટેલ રહે.ચુવા તા.વાવવાળાને ઝડપી બને ઈસમો વિરુધ્ધ ઈ.પી.કો ૪૮૯(એ),(બી),(સી),(ઇ),૧૧૪ મુજબ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.