ભાવનગર જિલ્લામાં ઋતુજન્ય રોગચાળાને કારણે તાવના 7195 કેસ નોંધાયા
છેલ્લા ૫૦ દિવસના જ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના આંકડા પર દ્રષ્ટિપાત કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે, ૫૦ દિવસમાં તાવના ૭૧૯૫ કેસ નોંધાયા હતા. જેમાં એકલા મહુવા તાલુકામાં જ તાવના ૫,૧૩૨ દર્દી જોવા મળ્યા હતા. જો બીજા શબ્દોમાં કહીએ તો જિલ્લામાં માત્ર મહુવા તાલુકામાં તાવના ૭૧ ટકા દર્દી નોંધાયા હતા. જિલ્લામાં ૧૪૦૭ દર્દી ઈન્ફ્લુએન્ઝાની અને ૯૧૩ દર્દી ઝાડા-ઉલ્ટીની લપેટમાં આવ્યા હતા. ભાવનગર તાલુકામાં જ હિપેટાઈટીસ-એના ૧૫માંથી ૧૨ એટલે કે ૮૦ ટકા કેસ અને ટાઈફોઈડના ૧૫૦ દર્દી જેમાં ૪૨ ટકા કેસ તળાજા તાલુકામાં નોંધાયા હતા.
જિલ્લામાં ડેંગ્યુના કુલ ૯ કેસ જોવા મળ્યા હતા. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના વર્તુળોના જણાવ્યા અનુસાર જિલ્લાના ૧૦ તાલુકામાં સપ્ટેમ્બર માસ દરમિયાન ૭ દિવસથી ઓછો તાવ આવ્યો હોય તેવા ૩૮૬૯ કેસ અને ૭ દિવસથી વધુ તાવ આવ્યો હોય તેવા ૨૯૭ કેસ નોંધાયા હતા. ઝાડા-ઉલ્ટીના ૫૭૦ દર્દી અને ઈન્ફ્લુએન્ઝાના ૮૫૨ દર્દી જોવા મળ્યા હતા. સીવીઅર એક્યુટ રેસ્પિરેટરી ઈન્ફેક્શનના ૨ કેસ નોંધાયા હતા.
જ્યારે ઓક્ટોબર માસની ૨૦મી તારીખ સુધીમાં નોંધાયેલા કેસનો આંકડો જોઈએ તો ૭ દિવસથી ઓછો તાવ આવ્યો હોય તેવા ૨૭૯૧ દર્દી અને ૭ દિવસથી વધુ તાવ આવ્યો હોય તેવા ૨૩૮ દર્દી જોવા મળ્યા હતા. ઝાડા-ઉલ્ટીના ૩૪૩ કેસ તો ઈન્ફ્લુએન્ઝાના ૫૫૫ કેસ જ્યારે એસએઆરઆઈના ૪ કેસ નોંધાયા હતા. આમ, જિલ્લામાં એકલા મહુવા તાલુકામાં જ સપ્ટેમ્બરમાં તાવના કુલ ૨૯૩૦ દર્દી અને ૨૦મી ઓક્ટોબર સુધીના ૨૦ દિવસમાં ૨૨૦૨ દર્દી જોવા મળ્યા હતા. આમ, તાવના ૭૧ ટકા કેસ એકલા મહુવા તાલુકામાં જ નોંધાયા છે.