વડોદરાના પીપળીમાં BAPS સ્વામિ. અને રામદેવપીર મંડળ વચ્ચે સામસામે પથ્થરમારો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પીપળી ગામમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર જૂથ અને રામદેવપીર યુવક મંડળ વચ્ચે ચાલી રહેલા જમીનનો વિવાદ લોહીયાળ બન્યો છે. BAPS દ્વારા સંરક્ષણ દિવાલનું બાંધકામ કરતા રામદેવપીર યુવક મંડળ દ્વારા તેનો વિરોધ કરવામાં આવતા બંને જૂથો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. ભારે પથ્થરમારાના પગલે ગામમાં નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં યુવાનો, મહિલા સહિત 4થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી. આ બનાવને પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.પાદરા તાલુકાના પીપળી ગામમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર આવેલું છે. તેમજ આ ગામમાં રામદેવપીર મહારાજનું પણ મંદિર આવેલું છે. ગામમાં બે જ્ઞાતિમાં એક જ્ઞાતિના લોકો સ્વામિનારાયણ મંદિરના સમર્થકો છે. જ્યારે બીજી જ્ઞાતિના રામદેવપીર મંદિરના સમર્થકો છે. આ બંને સમર્થકો વચ્ચે સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલી જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે.આજે BAPS દ્વારા સંરક્ષણ દિવાલનું કામ શરૂ કરવામાં આવતા રામદેવપીર યુવક મંડળ દ્વારા વિરોધ કરતા સ્થળ પર પહોંચી ગયા હતા. સમર્થકો સ્થળ પર પહોંચતા જ સ્વામિનારાયણ મંદિર જૂથના લોકો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. બંને જૂથો વચ્ચે શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. ઉગ્ર બોલાચાલીએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બંને જૂથ વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો.
બંને જૂથો વચ્ચે પથ્થરમારો થતાં નાસભાગ મચી ગઈ હતી. પથ્થરમારામાં મહિલાઓ, યુવાનો, પુરૂષો સહિત 4થી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. બીજીબાજુ રામદેવપીર યુવક મંડળ દ્વારા ગામમાં રેલી કાઢી BAPS વિરૂદ્ધ નારા લગાવ્યા હતા. જેના પગલે ગામમાં તંગદીલી વ્યાપી ગઈ હતી. તો સામે સ્વામિનારાયણ મંદિર જૂથના લોકોએ પણ રામદેવપીર યુવક મંડળ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. બંને જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણને પગલે ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો.પીપળી ગામમાં બનેલા બનાવની જાણ પાદરા પોલીસને થતાં પીઆઇ એ.એલ. તડવી સ્ટાફ સાથે ગામમાં દોડી ગયા હતા. સામસામે આવી ગયેલા બંને જૂથોના ટોળાને વિખેરી નાખ્યા હતા. સ્વામિનારાયણ મંદિર સહિત ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને મામલો થાળે પાડ્યો હતો. સવારે બનેલી આ ઘટનાને પગલે ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતી થઈ ગઈ હતી. લોકોના ટોળેટોળા ફળિયામાં અને ઘટનાસ્થળ પાસે ઉમટી પડ્યા હતા.પીપળી ગામમાં સવારે જમીનના વિવાદને લઈ બે જૂથો વચ્ચે થયેલા ભારે પથ્થરમારામાં ચારથી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સમર્થકો દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ગામ 108 એમ્બ્યુલન્સોના સાયરનથી ગુંજી ઉઠ્યું હતું. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સોમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.કાર્યવાહી કરવામાં આવશે આ બનાવ અંગે પાદરા પોલીસ મથકના પીઆઇ એ.એલ. તડવીએ જણાવ્યું હતું કે, બંને જૂથો વચ્ચે છેલ્લા ઘણા સમયથી જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સ્વામિનારાયણ મંદિર દ્વારા સંરક્ષણ દિવાલ બનાવવાનું શરૂ કરતા રામદેવપીર યુવક મંડળના લોકોએ તેનો વિરોધ કરતા બંને જૂથ સામસામે આવી ગયા હતા. જોકે, હવે બંને જૂથ સમાધાન કરવાના મૂડમાં છે. પરંતુ, પોલીસ દ્વારા ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ બંને જૂથની ફરિયાદો લેવા માટે તૈયાર છે. ફરિયાદો દાખલ થયા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.જોકે, હવે બંને જૂથ સમાધાન કરવાના મૂડમાં છે. પરંતુ, પોલીસ દ્વારા ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ બંને જૂથની ફરિયાદો લેવા માટે તૈયાર છે. ફરિયાદો દાખલ થયા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.