સુરેન્દ્રનગર જિલ્લમાં 12 સ્થળો પરથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ઝડપાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાઇનીઝ દોરી વેચાણ પર દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં ચેકીંગ કામગીરી દરમિયાન 12 જેટલા સ્થળેથી ચાઇનીઝ દોરી મળી આવી હતી.પોલીસ વિભાગે મકરસંક્રાંતિ પૂર્વે સુરેન્દ્રનગરની પતંગ બજારોમાં ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. જેમાં પ્રતિબંધિત દોરીનો જથ્થો પોલીસે જપ્ત કરી 12 વેપારીઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.પર્યાવરણ અને પક્ષીઓને નુકસાન કરતી ચાઇનીઝ દોરી વેચાણ પર પ્રતિબંધ છે.છતાં પણ સુરેન્દ્રનગરની બજારોમાં બેફામ દોરી વેચાણની ફરિયાદ બાદ દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને SOG પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
પાટડી પોલીસએ પ્રતિબંધિત માંજા સાથે એકને ઝડપી પાડ્યો હતો.જેમાં ગત વર્ષે પણ આજ દુકાનદાર ઝડપાયો હતો. પાટડી નગરમા પાટડી પોલીસ દ્વારા પ્રતિબંધિત માંજા અને તુક્કલનુ પોલિસની જાણ બહાર ગેરકાયદે વેચાણ કરનારને ઝડપી પાડવા વોચ ગોઠવવામાં આવી હતી.પાટડી પોલીસને ખાનગી બાતમી મળી હતી કે,પાટડી મેઈન બજારમા આવેલા એક ગેસ્ટ હાઉસ પાસેની દુકાનનો દુકાનદાર પ્રતિબંધિત માંજા લઈને નીકળવાનો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.એથી વહેલી સવારે અનિલ જીવણભાઈ ઠક્કરને પ્રતિબંધિત માંજાની 23 નંગ ફીરકી અંદાજે કિંમત રૂપિયા-2300 સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પાટડી પોલીસ દ્વારા આ દુકાનદારને એકટીવા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પરંતુ એકટીવા કયા કારણોસર કબજે લેવામાં ન આવી અને મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો ન હતો તેથી સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઊભા થવા છે જો કે એકટિવા બાબતે પાટડી પોલીસને પૂછતા એકટિવા ન હોવાનુ રટણ કર્યું હતુ. પરંતુ 23 નંગ ફીરકી ચાલીને ઉપાડીને લઈને આવે તે વાત કેવી રીતે માની શકાય? તેવી પણ ચર્ચાઓ સ્થાનિકોમાં ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે,ગત વર્ષે પણ આ દુકાનદાર પ્રતિબંધિત માંજા સાથે ઝડપાયો હતો. ત્યારે આ વર્ષે પણ પ્રતિબંધિત માંજા સાથે ઝળપાતા પક્ષી અને માનવ જીવન પર જોખમી પ્લાસ્ટિકની દોરી વેચનારા આ દુકાનદાર સામે જીવદયા પ્રેમીઓએ ફિટકાર વરસાવી હતી.