સુરતના તમામ ઓવરબ્રિજ તારીખ 14 અને 15ના રોજ ટૂ-વ્હીલર માટે પ્રતિબંધ
ઉત્તરાયણ પર્વને લઈ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા લોકોની સલામતીને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ શહેરના તાપી નદી સિવાયના તમામ ઓવરબ્રિજ પર આવનાર 14 અને 15 તારીખે ટુ- વ્હીલર લઈને જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જે ટુ- વ્હીલર ચાલકે સેફટી સળીયો લગાવ્યો હશે, તેમને જ જવા દેવામાં આવશે. ત્યારે વાહનચાલકોને રોકવા આ દિવસે ઓવરબ્રિજના નાકે ચુસ્ત પોલીસ બંદોબસ પણ તૈનાત રહેશે.ઉત્તરાયણ આવે ત્યારે કપાયેલા પતંગની દોરીથી અનેક લોકોના ગળા કપાવાની ઘટનાના સમાચાર સામે આવતા હોય છે. જેમાં અનેક લોકો મોતને પણ ભેંટે છે. ત્યારે રસ્તા પર પસાર થતા વાહનચાલકોની સુરક્ષા માટે દર વર્ષે સુરત શહેર પોલીસ દ્વારા ખાસ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ લોકોની સુરક્ષા માટેનું પહેલું કદમ દર્શાવતું જાહેરનામું જાહેર કરી દેવાયું છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી આવનાર 14 અને 15 જાન્યુઆરીના બે દિવસના રોજ શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર ચાલકો માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરીના રોજ તાપી નદી સિવાયના જેટલા પણ ઓવરબ્રિજ છે, તે તમામ ઓવરબ્રિજ ઉપર માત્ર કાર, ટેમ્પા, બસ જેવા મોટા વાહનો જ પસાર થઈ શકશે. જ્યારે ટુ- વ્હીલર ચાલકોને જવા માટે બ્રિજ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. પરંતુ જે ટુ- વ્હીલર ચાલકોએ પોતાની બાઈક કે મોપેડ આગળ દોરાથી બચવા અંગેનો સેફ્ટી સળિયો લગાવ્યો હશે, તેમને આ જાહેરનામાં પ્રતિબંધમાંથી છૂટ આપવામાં આવી છે.
ઉત્તરાયણમાં કપાયેલા પતંગના દોરાથી લોકોને બચાવવા માટે પોલીસ દ્વારા લોકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. 14 અને 15 તારીખે પ્રતિબંધ કરાયેલા તમામ ઓવરબ્રિજોના નાકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત રહેશે. ટુ- વ્હીલર ચાલકોને ઓવરબ્રિજ પરથી જવા માટે સતત રોકતા રહેશે. એટલે જે લોકોને પોતાના જીવનની ના પડી હોય તેમનો જીવ પોલીસ બચાવા ખડે પગે રહેશે.આ સાથે જ પોલીસે લોકોની સુરક્ષા માટે વિશેષ અભિયાન પણ હાથ ધર્યું છે. કાતિલ દોરીથી લોકોનો જીવ ન જાય કે ઈજા ન થાય તે માટે જે લોકોએ પોતાની મોટરસાયકલ કે બાઈક ઉપર સેફ્ટી સળીયો લગાવ્યો ન હતો, તેવા વાહનચાલકોને પોલીસ પકડી-પકડીને સેફ્ટી સળીયો લગાવી આપતી હતી. સુરતના પાલ વિસ્તારમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથેની ટીમ રસ્તા પર ઉતરીને વાહનચાલકો સાથે આ કાર્યવાહી કરી હતી. તમામને પોતાની સુરક્ષા માટે તકેદારી સાથે જાગૃત રહેવા અપીલ કરી હતી.અહીં મહત્વનું છે કે, ઉત્તરાયણ આવતા પહેલા જ નાના વરાછાબ્રિજ ઉપર પતંગના દોરાથી ગળું કપાઈ જતા એક યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી ગઈ છે. વરાછા ખાતે આવેલ અમૃત રેસિડેન્સીમાં રહેતી 22 વર્ષીય દિક્ષીતાબેન ઘનશ્યામભાઇ ઠુમ્મર ગત રોજ સાંજે એક્ટિવા લઈને મેઇન રોડથી નાના વરાછા ઢાળ બ્રિજ ઉપરથી જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક પતંગના કાતિલ દોરાથી તેમનું ગળુ કપાઇ જતા તેઓ એક્ટિવા પરથી નીચે પટકાયા હતા અને મોત નીપજ્યું હતું.