આશારામ કેસના સાક્ષીને મળી મારી નાખવાની ધમકી
અમદાવાદમાં આસારામ કેસના સાક્ષીને મારી નાખવાની ધમકી મળી છે. જેમાં રાજુ ચાંડકને ફોન પર ધમકી આપતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં મનોજ પાટીલ નામના વ્યક્તિએ ધમકી આપતા તેની સામે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી છે. રાજુ ચાંડક આસારામ યૌન શોષણ કેસમા મુખ્ય સાક્ષી છે. તથા અગાઉ પણ તેને ધમકીઓ મળતી હતી.
આસારામના એક સમયના ખાસ સાધક અને યૌન શોષણ કેસમાં સાક્ષી બનેલા રાજુ ચાંડકને અજાણ્યા શખસે ફોન કરીને ધમકી આપતા રાજુ ચાંડકે સાબરમતી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ધમકી આપનાર આસારામનો સાધક છે કે અન્ય કોઇ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાબરમતીમાં રહેતા 60 વર્ષીય રાજુ ચાંડક અગાઉ આસારામના સાધક હતા. પરંતુ આસારામ યૌન શોષણ કરતા હોવાની જાણ રાજુ ચાંડકને થઇ હતી. બાદમાં યૌન શોષણની અનેક ફરિયાદો આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઇ સામે થઇ હતી. તે કેસમાં રાજુ ચાંડક સાક્ષી બનેલા છે. વર્ષ 2009માં આસારામના સાધકો દ્વારા રાજુ ચાંડક પણ ફાયરિંગ પણ થયું હતું. બાદમાં સરકારે રાજુ ચાંડકને એસઆરપીનું પ્રોટેક્શન આપ્યુ હતુ.
રાજુ ચાંડક સોમવારે ઘરે હાજર હતા ત્યારે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. સામેથી શખસે કહ્યું કે, ઘરે પે શાંતિ હૈ ઔર બતાઓ કિસ કા આવાજ હૈ. જેથી રાજુ ચાંડકે કહ્યુ કે, મેરે કોઇ ખાન કા હોગા. આ શખ્સે મનોજ ખાંટવાલા, જીતુભાઇ અને રાજુભાઇ વિશે પૂછતા રાજુ ચાંડકે કહ્યુ કે, હું આ વ્યકિતઓને ઓળખતો નથી. બાદમાં શખ્સે કહ્યું કે મેં આપ કો પહેચાનતા હું, આપ રાજુભાઇ કિશનલાલ હો, મનોજ પાટીલ બાત કર રહ્યા હું મેરા નંબર સેવ નહીં કિયા, ફોન-પે ગુગલ પે ચાલુ હૈ કે નહીં. જેથી રાજુ ચાંડકે ના પાડતા શખ્સે બિભત્સ શબ્દો બોલ્યા હતા. આથી રાજુ ચાંડકે કહ્યુ કે, મારા નંબર સર્વેલન્સમાં છે, મારી પાસે સિક્યોરિટી માટે ગનમેન છે. આ સાંભળીને શખ્સે કહ્યુ કે, અપને માથે પે ગન કો લગાઓ ઔર ડાયરેક્ટ ચલા દો. તે પછી તેમણે પોલીસમાં જાણ કરી તે વ્યક્તિ સામે ફરિયાદ કરી છે.