ઇન્ટરનેશનલ સ્કુલની મેનેજમેન્ટ ઓફીસમા રાત્રિના સમયે છ જેટલા તસ્કરો ત્રાટક્યા
મોરબીના ધરમપુર ગામે સ્વામીનારાયણ ઇન્ટરનેશનલ સ્કુલની મેનેજમેન્ટ ઓફીસમા રાત્રિના સમયે છ જેટલા તસ્કરો ત્રાટક્યા હતા અને વિદ્યાર્થીઓની સ્કૂલ ફીની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર અક્ષરધામપાર્કમાં રહેતા ૬૪ વર્ષીય ઈશ્વરભાઈ કરશનભાઈ કૈલાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે તેઓ મોરબી જિલ્લાના ધરમપુર ગામે આવેલી સ્વામિનારાયણ ગુરૂકુળ ઇન્ટનેશનલ સ્કુલ ખાતે છેલ્લા ૧૩ વર્ષથી સેવા આપે છે. અને રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળ સંસ્થા- ટ્રસ્ટ દ્વારા આ સ્કૂલનું સંચાલન કરવામાં આવે છે
ગુરુકુળની હોસ્ટેલના ગૃહપતિએ ઈશ્વરભાઈને ગુરુકુળની ઓફિસમાં ચોરી થયાની જાણ કરી હતી. જેથી સત્વરે ઈશ્વરભાઈ મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમ, મોરબી-કંડલા હાઇવે જે.કે.ભડીયા પાસે, સ્વામીનારાયણ ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે પહોંચ્યા હતા. અને મેનેજમેન્ટની ઓફિસમાં જોતા બારી તૂટેલી હતી અને ઓફીસમાં સર-સામાન વેરવિખેર પડ્યો હતો. તથા ટેબલના ખાનામાં જોતા વિદ્યાર્થીઓની ફી પેટે આવેલ રોકડ રકમ રૂ.૮૫,૦૦૦ જોવામાં આવેલ નહીં અને તેની ચોરી થયાનું સામે આવ્યું હતું. આ ચોરીના બનાવને પગલે ગુરુકુળના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરતા તેમાં અજાણ્યા ૬ ઇસમો રાત્રીના આશરે ૦૧:૦૦ વાગ્યાના અરસામાં ગુરુકુળમાં દિવાલ ટપીને ગુરુકુળના સ્કુલ બિલ્ડીંગમાં પ્રવેશ કરતા દ્રશ્યમાન થયા હતા. જેથી ઈશ્વરભાઈએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ કરી હતી.આ ફરિયાદના આધારે તથા પોલીસે સી.સી.ટી.વી. ફૂટેજને ધ્યાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.