બિહારમાં વધુ એક પુલ ધરાશાયી, બેદરકારીને છુપાવવા તૂટેલા ભાગ પર તંત્રેએ ઢાંક્યું પ્લાસ્ટિક
બિહારમાં વધુ એક પુલ તૂટી પડવાની ઘટના સામે આવી છે. મધુબની જિલ્લામાં શુક્રવારે એક નિર્માણાધીન પુલ તૂટી પડ્યો હતો. તમને જણાવી દઈએ કે બિહારમાં છેલ્લા 11 દિવસમાં પુલ તૂટવાની પાંચમી ઘટના છે. મધુબની જિલ્લાના ઝાંઝરપુરમાં આ પુલ ધરાશાયી થયો હતો. ગુરુવારે આ 77 મીટર લાંબા પુલના બે પિલર વચ્ચે લાંબા ગર્ડરનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ બેદરકારીને છુપાવવા માટે વહીવટીતંત્રે તૂટેલા ભાગને પ્લાસ્ટિકથી ઢાંકી દીધો હતો, જેથી લોકોને પુલ તૂટી પડવાની ખબર ન પડે.
પુલ આશરે ૩ કરોડની કિંમતે બનાવવામાં આવ્યો હતો
બિહાર સરકારના ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ બનાવવામાં આવી રહેલા આ પુલની અંદાજિત કિંમત આશરે 3 કરોડ રૂપિયા છે. ત્રણ દિવસ પહેલા એટલે કે 26 જૂને આ બ્રિજના ગર્ડરનું કાસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જે ગુરુવારે તૂટી પડ્યું હતું. આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટર અમરનાથ ઝાએ જણાવ્યું હતું કે નદીમાં પાણીનું સ્તર વધવાને કારણે ગર્ડર પડી ગયું હતું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે નદીમાં પાણીનું સ્તર ઓછુ થયા બાદ પુલ ફરીથી બનાવવામાં આવશે.
11 દિવસમાં પાંચ પુલ ધરાશાયી થવાની ઘટનાએ બિહાર સરકારની બેદરકારી છતી કરી છે. બિહારમાં પુલ નિર્માણમાં બેદરકારી અને ભ્રષ્ટાચારના ચાલી રહેલા મુદ્દાઓને લઈને વિપક્ષે પણ નીતિશ સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. બિહારના બાંધકામના ધોરણો અને નિરીક્ષણ પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.