અમદાવાદ મ્યુનિ.શાળાના વીજળી બચાવવાની વાત વચ્ચે એક પણ બિલ્ડિંગમાં સોલાર સિસ્ટમ જ નથી

ગુજરાત
ગુજરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા વીજળી બચાવવા કરાતી જાહેરાતનો અમલ ન થતા શહેરના વિવિધ વિસ્તારમા આવેલ એક પણ મ્યુનિસિપલ શાળાના બિલ્ડિંગમાં સોલરસિસ્ટમ જ લગાવાઈ નથી.આ કારણથી દર બે મહિને મ્યુનિ.સ્કૂલ બોર્ડને અંદાજે રુપિયા ત્રીસ લાખ સુધીના વીજબિલની ચૂકવણી કરવી પડી રહી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનમા સત્તા સ્થાને બેઠેલા સત્તાધીશો લોકોને આકર્ષવા વચનેષુ કિં દરીદ્રતા વાળી ઉકિતની જેમ જાહેરાત ઘણી બધી કરતા હોય છે.પરંતુ આ પૈકી મોટાભાગની જાહેરાત કાગળ ઉપર જ રહેતી હોય છે.આઠ વર્ષ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોએ વીજળી બિલ ઘટાડવા શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમા આવેલી મ્યુનિસિપલ શાળાઓના ૨૭૦ બિલ્ડિંગના ટેરેસ ઉપર સોલાર પાવર સિસ્ટમ લગાવવા પ્રોજેકટ તૈયાર કરી તેનો અમલ કરાવવાની કામગીરી માટે રુપિયા એક કરોડની જોગવાઈ અંદાજપત્રમા કરી હતી.આઠ વર્ષ બાદ સ્થિતિ એ છે કે,માત્ર પાલડી ખાતે આવેલા સ્કાઉટભવનમા સોલાર પાવર સિસ્ટમ લગાવવામા આવેલી છે.આ સિવાય શહેરમા ૪૬૦થી વધુ શાળા જે ૨૭૦ બિલ્ડિંગમા ચલાવવામા આવી રહી છે એવા એક પણ બિલ્ડિંગમાં સોલાર સિસ્ટમ જ લગાવવામા આવી નથી.
કાંકરીયા લેકફ્રન્ટ ખાતે સોલાર પાવર પ્લાન્ટ બનાવાયો જ નહીં
કાંકરીયા લેકફ્રન્ટ ખાતે દર વર્ષે ૨૫ થી ૩૧ ડીસેમ્બર દરમિયાન કાંકરીયા કાર્નિવલનું આયોજન કરવામા આવે છે.આ સમયે કાંકરીયા તળાવ આસપાસના વિસ્તારમા ટેમ્પરરી વિવિધ પ્રકારની લાઈટથી બિલ્ડિંગોમા રોશની કરવામા આવે છે.કાંકરીયા લેકફ્રન્ટ ખાતે આવતા મુલાકાતીઓને કાયમી ધોરણે ડેકોરેટીવ લાઈટીંગની સુવિધા મળે અને મ્યુનિ.તંત્રને વિજ બિલનું આર્થિક ભારણ ના વધે એ માટે લેકફ્રન્ટ ખાતે એલ.ઈ.ડી.બેઝ મલ્ટીકલર લાઈટીંગ અને સોલાર પાવર પ્લાન્ટ બનાવવા બજેટમા એક કરોડની જોગવાઈ કરવામા આવી હતી.હાલમા કાંકરીયા લેકફ્રન્ટ ખાતે સોલાર પ્લાન્ટ છે જ નહીં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.