અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી મહીનાની આ તારીખે મેઘરાજ બોલાવશે ધબધબાટી
ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો જઈ રહ્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 85 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં એક પણ સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે આજે ભારે વરસાદની કોઈ સંભાવના નથી. જોકે, સપ્ટેમ્બરમાં સારા વરસાદના એંધાણ છે. ત્યારે ગુજરાતમાં સારા વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સારા વરસાદની હાલ શક્યતા ન હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. જોકે, હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે ઓગસ્ટ મહિનો કોરો ગયા બાદ સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ પડી શકે છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંતની આગાહી સામે આવી છે.
અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી સમયમાં દેશમાં સારો વરસાદ થઈ શકે છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.4થી 10 સપ્ટેમ્બર ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. સિસ્ટમ સક્રિય થવાથી 4થી 6-7 સપ્ટેમ્બર દરમિયાન ઓરિસા, ઝારખંડ સહિત દેશના પૂર્વ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ હોવાનું અનુમાન કર્યું છે. આ ભારે ભરખમ સિસ્ટમના કારણે કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતાઓ હોવાની પણ આગાહી તેમના દ્વારા કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બરની શરુઆત તથા 7-10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ સાથે તેમણે અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમનું નિર્માણ થવાની આગાહી કરીને વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે.10-15 સપ્ટેમ્બર અરબ સાગરમાં લો પ્રેશર બનશે. સપ્ટેમ્બરમાં ચોમાસા જેવા વરસાદની સંભાવના છે.
તેમણે કહ્યું કે, ગુજરાતમાં સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં સારો વરસાદ થઈ શકે છે. દેશના કેટલાક ભાગોમાં 100% વરસાદ થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં હલચલ થતાં ગુજરાતમાં સપ્ટેમ્બરમાં સારો વરસાદ થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 10થી 14 સપ્ટેમ્બરના અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનશે. આ બે સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે. મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ગુજરાતાના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે.