અમદાવાદમાં ઉત્તરાયણ પૂર્વે પતંગ-દોરી ખરીદવા પતંગ બજારોમાં લોકોની ભીડ જામી
આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે. જેને લઈને પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ છે. આ તહેવાર ઉત્સાહ અને ઉમંગનો તહેવાર છે, આવામાં પતંગ રસિયાઓ છેલ્લી ઘડીની ખરીદીમાં લાગી ગયા છે. બજારોમાં ઠેર-ઠેર દોરી-પતંગના સ્ટોલ પર ભીડ જોવા મળી રહી છે.આજે ઉત્તરાયણ પહેલાંની આખરી રાતે પતંગ બજારોમાં ખરીદી માટે ભીડ જામશે અને ઉત્તરાયણનો માહોલ બનશે. અમદાવાદમાં કાલુપુર, રાયપુર, ખાડિયા, દિલ્હી દરવાજા સહિતના વિસ્તારોમાં પતંગ રસિયાઓની ભીડ બજારમાં જામશે. આજ મોડી રાત સુધી પતંગ રસિકો પતંગ ખરીદી કરવા જશે.
ઉત્તરાયણને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે છેલ્લા બે દિવસથી હજારોની સંખ્યમાં પતંગ રસિયાઓએ માર્કેટમાંથી પતંગ દોરીની ખરીદી કરી લીધી છે. અમવાદાદમાં લાલ દરવાજાથી રાયપુર સુધીના માર્ગો પર પતંગ ખરીદીના લીધે ટ્રાફિક બંદોબસ્ત વધુ રખાશે. પતંગ રસિકો માર્કેટમાંથી આખરી ઓપની ખરીદી કરશે.આવામાં પતંગ રસિયાઓ પાસે બધું હોય પરંતુ જો પવન સાથ ન આપે તો ઉત્તરાયણની તૈયારી માથે પડવા જેવી થતી હોય છે. આવામાં અમદાવાદ કે જ્યાં પતંગનો જબરજસ્ત ક્રેઝ છે અને રાજ્ય તથા રાજ્ય બહારથી પણ લોકો ઉત્તરાયણની ઉજવણી કરવા માટે અમદાવાદ પહોંચી જતા હોય છે. ઉત્તરાયણ દરમિયાન પોળમાં ધાબા ભાડે મળતા હોવાની ખબરો અને જૂની જાહેરાતો પણ વાયરલ થવાની શરુ થઈ ગઈ છે.