અસહ્ય ઉકળાટ બાદ અમદાવાદમાં મેઘરાજાની ગર્જના, શહેરીજનોને બફારાથી મળી રાહત
હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર આજે રાજ્યના લગભગ બધા જ ભાગોમાં વરસાદ પડ્યો છે. ત્યારે વાત અમદાવાદની કરીએ તો અહી ભારે બફારા બાદ ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ છે. છેલ્લા ચાર પાંચ દિવસ છુટાછવાયો વરસાદ પડ્યો હતો. જો કે લોકો ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીને લીધે પરેશાન થઈ ગયા હતા. આજે વરસાદને પગલે વાતાવરણ ખુશનુમા બનતા શહેરીજનોને બફારાથી રાહત મળી છે.
અમદાવાદ સહીત સુરત, જાફરાબાદ, જામનગર, ખેડા, રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. હજુ આગામી બે દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગનાં સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.