વડોદરાના ગોરવા પંચવટી પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પૂજાપો પધરાવવા ગયેલા યુવાનનું ડૂબી જતા મોત
શહેરના ગોરવા પંચવટી પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. મોતને ભેટેલ યુવાન ઘરમાં રાખેલો નવગ્રહ પૂજાનો સામાન પધરાવવા માટે કેનાલ ઉપર ગયો હતો. દરમિયાન પગ લપસતા કેનાલમાં પડ્યો હતો અને ડૂબી જતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા નજીક કરોડીયા રોડ ઉપર એ-51, રૂક્ષ્મણી રેસિડેન્સીમાં રહેતા દેવવ્રતભાઇ ક્રિષ્ણશંકર દેવ (ઉં.વ.33) પરિવાર સાથે રહે છે. બે દિવસ પહેલાં તેના ઘરે નવગ્રહની પૂજા-વીધિ હતી. દેવવ્રત પૂજા-વિધીમાં વપરાયેલ પૂજાનો સામાન વિસર્જન કરવા માટે બુધવારે બપોરના સમયે ગોરવા પંચવટી પાસેથી પસાર થતી નર્મદા કેનાલે ગયો હતો.કેનાલની બહાર પોતાનું મોપેડ અને ચપ્પલ બહાર કાઢી કેનાલમાં પૂજાપાનો સામાન વિસર્જન કરવા માટે ઉતર્યો હતો. એકાએક તેનો પગ લપસતા તે કેનાલના વહેતા પાણીમાં તણાઇ ગયો હતો. અડધો કલાક ઉપરાંતનો સમય પસાર થઈ ગયો હોવા છતાં દેવવ્રત ઘરે ન આવતા પિતા અને નાનો ભાઈ કેનાલ ઉપર શોધવા માટે ગયા હતા. જ્યાં તેઓએ કેનાલના કિનારે મોપેડ અને ચપ્પલ જોતા ચોંકી ઉઠ્યા હતા. જે બાદ આસપાસમાં લોકોને પૂછતા જાણવા મળ્યું કે, એક યુવાન ડૂબી રહ્યો હતો અને તે વહેતા પાણીમાં તણાઇ ગયો છે.
દરમિયાન દેવવ્રતના પિતા ક્રિષ્ણશંકરે તુરત જ આ અંગેની જાણ સ્થાનિક પોલીસને કરતા પોલીસ દોડી આવી હતી. સ્થળે પહોંચેલી પોલીસે ફાયરબ્રિગેડને જાણ કરતા લાશ્કરો દોડી આવ્યા હતા. ભારે શોધખોળ કરવા છતાં દેવવ્રતનો પત્તો લાગ્યો ન હતો. દરમિયાન આજે દેવવ્રત જ્યાં ડૂબ્યો હતો તે સ્થળથી 5 કિલો મીટર દૂર શેરખી પાસેની કેનાલમાંથી તેનો મૃતદેહ ફાયરબ્રિગેડે મળ્યો હતો. તાલુકા પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. તે સાથે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે પરિવાર સહિત રૂક્ષ્મણી સોસાયટીમાં ગમગીની ફેલાવી દીધી હતી. નોંધનીય છે કે, બે પોલીસ મથકમાં નોંધાયેલ આ બનાવ અંગે હાલ તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.