ભુજમાં નકલી સોનાના બિસ્કીટ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી
હાલ સોનાનો ભાવ આસમાને છે. ત્યારે સસ્તા સોનાનાની લાલચમાં કચ્છની ચીટર ટોળકી દ્વારા કચ્છ ઉપરાંત ગુજરાત રાજ્ય અને બહારના લોકોને નકલી સોનું પકડાવીને લોખોની ઠગાઇ કરી હોવાના કિસ્સાઓ અનેક વખત સામે આવી ચુક્યા છે. ત્યારે ધનતેરસના આગલા દિવસે નકલી સોનાના બિસ્કીટ સાથે કોઇને છેતરવા માટે ચીટરોને નકલી બિસ્કીટ દેવા નીકળેલા માધાપરના ચીટરને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજમાં મોટાપીર દરગાહ પાસે પતળના ૧૬ બિસ્કીટ સાથે ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ભુજમાં સસ્તુ સોનું વેચવાના ઇરાદે નીકળેલા મુળ નખત્રાણાના કોટડા જડોદર ગામના હાલ માધાપર નવાવાસ કેવલ હોમ્સ ખાતે રહેતા અમિતકુમાર અમૃતલાલ સોની નામના ચીટરને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડયો હતો. આરોપીના કબજાની સ્વીફ્ટ કારમાંથી પીતળ જેવી ધાતુના ૧૬ નંગ બિસ્કીટ મળી આવ્યા હતા. આરોપીના કબ્જામાંથી એક લાખની કાર પીતળ જેવા લાગતા ધાતુના ૧૬ બિસ્કીટ અને મોબાઇલ કબ્જે કરીને આરોપી વિરૂધ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. આરોપી અમિતકુમાર સામે અગાઉ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઠગાઇ અને પ્રોહિબીશનનો કેસ નોંધાયલ છે. તેમજ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીના ગુનો નોંધાયેલ છે. આ રીઢા આરોપી પાસેથી વધુ વિગતો ઓકાવવા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ કામગીરી એલસીબીના ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમાના માર્ગ દર્શન હેઠળ તેમની ટીમના સભ્યોએ કરી હતી. પીતળના ૧૬ બિસ્કીટ સાથે પકડાયેલો અમિતકુમાર સોની ભુજના ચીટરોને છ હજારમાં એક બિસ્કીટ વેચતો હોવાની એલસીબીને માહિતી મળી હતી. દરમિયાન અમિતકુમાર નકલી સોનાના બિસ્કીટ લઇને ચીટરો સુધી પહોંચે તે પહેલા મોટાપીર દરગાહ પાસેથી એલસીબીની ટીમના હાથે ઝડપાઇ ગયો હતો.