ઉના શહેરમાં ગોડાઉનમાંથી ગેરકાયદે ગેસના બાટલાનો જથ્થો ઝડપાયો
ઉના શહેરમાં રહેતો અને ઇન્ડિયન ગેસ એજન્સીમાં નોકરી કરતો શખ્સ પોતાના રહેણાક મકાન પાસે ગોડાઉનમાં ગેરકાયદેસર રાંધણ ગેસના અલગ અલગ નાનામોટા બાટલાઓનો જથ્થો રાખી ગેસ રીફીલીંગ, સીલ કરતો હોવાની બાતમી આધારે ગીર સોમનાથ જિલ્લા LCB બ્રાન્ચે ગોડાઉનમાં તપાસ કરતા મોટાપાયે ગેસના બાટલાનો જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઉના શહેરમાં શ્યામ ભુવન પંચવટી સોસાયટીમાં રફાળેશ્વર મંદીર પાસે રહેતો ભાવેશ ઉર્ફે મધો મંગારામ ટીલવાણી ઇન્ડિયન ગેસ એજન્સીમાં નોકરી કરતો હતો. આ શખ્સ પાસે રાંધણ ગેસના નાનામોટા બાટલાઓ, ગેસ રીફીલીંગ નળી, ગેસ બાટલાના પ્લાસ્ટીક શીલ તેમજ બીલ કે આધાર પુરાવા વગર ગેરકાયદેસર રહેણાક વિસ્તારમાં ગેસના બાટલાનું ગોડાઉન રાખવા બાબતે કોઇ જાતની પરમીશન વગર મોટાપાયે ગેસના બાટલાનો જથ્થો રાખવામાં આવેલો હતો.
જે અંગેની બાતમી જિલ્લા એલ સી બી ટીમના રાજુભાઈ ગઢીયા, પ્રવિણભાઇ મોરી, જયરાજસીહં ગોહીલ તેમજ સંદીપભાઇ ઝણકાટ સહિતની ટીમને મળતા સ્થળ પર રેડ કરી હતી. ગોડાઉનમાં તપાસ કરતા ગેસના બાટલાઓ મળી આવતા તમામ જથ્થા સાથે એક શખસને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ શખ્સે પોતાના ગોડાઉનમાં ઇન્ડિયન ગેસ કંપનીના અલગ-અલગ નાના મોટા રાંધણ ગેસ બાટલાઓ 104 નંગ, ગેસ રિફિલિંગ કરવાના લોખંડના નાના પાઇપ 37 નંગ તેમજ વજન કાંટો એક તેમજ ઇન્ડિયન ગેસ કંપનીના પ્લાસ્ટિક બાટલાના સીલ 152 નંગ સહિત કુલ કિંમત રૂ. 2 લાખ 88 હજાર 85નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.