છોટા ઉદેપુર પોલીસ મથક ખાતે 22 જાન્યુઆરીના ઉત્સવને પગલે શાંતિ સમિતિની બેઠક યોજાઇ
છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં તારીખ 17 અને તારીખ 22 ના કાર્યક્રમને લઇ શાંતિપૂર્ણ ઉજવણી થાય તેના ભાગરૂપે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.સમગ્ર ભારતમાં 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ પ્રજાજનો દ્વારા ભારે આસ્થા સાથે ઉજવણી કરવામાં આવનારી છે. છોટા ઉદેપુર પંથકમાં ઠેર-ઠેર ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવનાર છે. આ મહાપર્વની ઉજવણી શાંતિપૂર્ણ અને સૌહાર્દપુર્ણ વાતાવરણમાં થાય તે માટે આજરોજ છોટા ઉદેપુર પોલીસ મથક ખાતે છોટાઉદેપુર વિભાગય ડી.વાય.એસ.પી કૃષ્ણાસિંહ સુર્યવંશિ અને પી.આઇ. અરુણ પરમારની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી.
તારીખ 16 અને તારીખ 17ના રોજ જાગનાથ મહાદેવ મંદિરના મહંત અને ગોરા રામજી મંદિરના મહારાજની સદર ચાદર વિધિ અને તારીખ 21ના રોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં તમામ સમાજના આગેવાનોમાં મંહત યોતિશ્વરદાસજી, મૂકેશભાઇ પટેલ, પ્રશાંતભાઇ પટેલ, ઝહિર મકરાણી, ફારૂક ફોદા, આદમ સુરતી તેમજ નગરના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. સર્વ સમાજના આગેવાનોએ ખુબજ શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમની ઉજવણી કરવાની બાંહેધરી આપી હતી. ચર્ચા વિચારણા કરી સૂચનો આપવામાં આવ્યા હતા.