સુરતમાં બની રહેલા ગેરકાયદે કારખાનાનો સ્લેબ ધરાસાઈ થતાં મજૂરનું મોત
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સુરત મહાનગરપાલિકાની કામગીરીથી સામે આવ્યો છે. ઉધનામાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં ત્રણ દિવસ પહેલા નવનિર્મિત બની રહેલા કારખાનાનો ત્રીજા માળનો સ્લેબ ધરાસાઈ થતાં એક મજૂરનું મોત નીપજ્યું હતું. જ્યારે બે મજૂર ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બન્યા બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર મોડે મોડે જાગ્યું છે. કારખાનાના ત્રીજા માળનું ગેરકાયદેસર બાંધકામ બની રહ્યું હોવાનું ધ્યાને આવ્યા બાદ બાંધકામ કરાયેલા ત્રીજા માળ પર હથોડા ઝીંકી તોડી કડક કાર્યવાહી કરાતી હોવાનું બતાવાઈ રહ્યું છે. જોકે આ ઘટનામાં પોલીસે કારખાનાના માલિક અને કોન્ટ્રાક્ટરની ધરપકડ પણ કરી છે.
ઉધનાના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદેસર બની રહેલા કારખાનાનું ડિમોલેશન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં પ્લોટ નંબર 86, 87, 88 ત્રણ દિવસ પહેલા સ્લેબ ધરાસાઈ થવાની ઘટના બની હતી. ત્રણ માળના નવનિર્મિત કારખાનાનું બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. જેમાં એક મજૂરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ત્યારે ઘટનાના ત્રણ દિવસ બાદ સુરત મહાનગરપાલિકાની ટીમ સફાળે જાગી છે. કારખાનાનું બાંધકામ ગેરકાયદેસર કરાતું હોવાનું હવે છેક મનપાના ધ્યાન આવ્યું છે. જેને લઇ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ત્રીજા માળ પર હથોડા ઝીંકી ડિમોલિશન કરવામાં આવ્યું હતું.સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને શ્રમિકોના મોત બાદ બ્રહ્મજ્ઞાન થયું છે અને ઘટના બાદ પાલિકાએ ડિમોલેશન કરી બતાવવા પૂરતી કામગીરી હાથ ધરી સંતોષ માન્યો છે. જોકે આ ઘટનામાં એક શ્રમિકનું મોત થયું હોવા છતાં ગેરકાયદેસર બની રહેલા બાંધકામની આ ઘટનામાં પાલિકા અધિકારીઓની કોઈ જવાબદારી હજી સુધી નક્કી કરવામાં આવી નથી. મહત્વનું છે કે આ ઘટના બન્યા બાદ સુરતની ઉધના પોલીસ દ્વારા તાત્કાલિક મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે અંતર્ગત પોલીસ દ્વારા બેદરકારી દાખવા બદલ કારખાનાના માલિક અને બાંધકામ નું કામ કરનાર કોન્ટ્રાક્ટર ની ધરપકડ પણ કરી લેવાય છે.