કામરેજમાં હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતા ચાલકનું મોત
કામરેજ તાલુકાના ચોર્યાસી ગામ નજીક નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના પોલીસ ચોપડે ચઢી છે. અકસ્માતની આ ઘટનામાં 44 વર્ષીય જતીનભાઈ ભીખુ ભાઈ પટેલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત જતીનનુ કરુણ મોત નિપજ્યું હતું.બનાવને પગલે કામરેજ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. વધુ એક અકસ્માતની ઘટના બની છે.કામરેજના ચોર્યાસી ગામ નજીક નેશનલ હાઇવે પર વાવ ગામના 44 વર્ષીય જતીનભાઈ ભીખુભાઈ પટેલ જેઓ વિજય હોટેલ પાસે આવેલ ડિવાઈડરમાંથી બાઈક લઈ પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન પુરઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલક જતિન ભાઈને અડફેટે લીધા હતા.
અકસ્માતમાં જતિનભાઈ રોડ પર પટકાયા હતા.બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.ગંભીર રીતે ઇજાગ્રસ્ત જતીનભાઈને એમ્બ્યુલન્સની મદદથી કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર તબીબ સારવાર આપે તે પૂર્વે ઈજાગ્રસ્ત મૃત્યુ પામ્યા હતા. અકસ્માતની ઘટનાને લઇને કામરેજ પોલીસે ફરાર અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.