રૈયારોડનાં આઝાદ ચોક નજીક મોબાઈલ ટાવરમાં આગ લાગી : મોટું નુકસાન થયું હોવાની શક્યતા
રાજકોટમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજરોજ રૈયારોડ પર આગની વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં આઝાદ ચોક પાસે આવેલ એક મોબાઈલ ટાવરમાં કોઈ કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ અંગે જાણ થતા ફાયર વિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
જ્યાં વીજ લાઇન ચાલુ હોવાથી પાણીનો મારો ચલાવી શકાય તેમ નહીં હોવાથી પીજીવીસીએલની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. પીજીવીસીએલની ટીમ દ્વારા વીજ લાઇન બંધ કરવામાં આવતા જ ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ મોટું નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.