ગાંધીનગરમાં બાળકોને સ્કૂલે મુકવા જતાં પિતાને કાર ચાલકે ટક્કર મારી, ઘટના સ્થળે જ પિતાનું મોત

ગુજરાત
ગુજરાત

કમલય કાર્યાલયની સામેના રોડ પર આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કોબા પાસે થયેલા આ અકસ્માતમાં એક્ટિવા લઈને બાળકોને સ્કૂલે મુકવા જતાં પિતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે બે બાળકોને ગંભીર ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. એક કાર ચાલકે બેફામ ગતિએ કાર ચલાવતાં એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઈ જતાં અમદાવાદ-કોબા હાઇવે રોડ પર ચક્કાજામ થઈ ગયો હતો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાસ્કરભાઈ પારેખ કોબા ખાતે મહાવીર હિલ્સ ફ્લેટમાં પરિવાર સાથે રહે છે. રાબેતા મુજબ આજે સવારે તેઓ કોબાની સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરી ઝરણા અને દીકરા જીઆનને સ્કૂલે મૂકવા માટે એક્ટિવા પર નીકળ્યા હતા. આ દરમિયાન કોબા કમલમ કાર્યાલય પાસેનાં રોડ પરથી પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. એને કારણે ભાસ્કરભાઈ અને બંને સંતાન ઊછળીને રોડ પર પટકાયાં હતાં જેમાં ભાસ્કરભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે જ્યારે બંને સંતાનોને ગાંધીનગરની તથાસ્તુ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ઝરણાની હાલત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

આ બનાવને પગલે રોષે ભરાયેલા ટોળાએ આક્રોશ વ્યક્ત કરેલો કે અત્રે કોબા કમલમ કાર્યાલય હોવાથી વીવીઆઈપી મૂવમેન્ટ રહેતી હોય છે, જેના કારણે અહીં સ્પીડબ્રેકર કે બમ્પ બનાવવામાં આવ્યાં નથી. અહીં છાશવારે અકસ્માતો સર્જાતા હોવા છતાં વીવીઆઈપી મૂવમેન્ટને લીધે રોડ ખુલ્લા રાખવામાં આવ્યા છે. ત્યારે સ્થળ પર પહોંચેલી પોલીસે કારમાં બેઠેલા નબીરાઓની પણ અટકાયત કરી લીધી છે. આ અંગે ઈન્ફોસિટી પીઆઈ એલ ડી ઓડેદરાએ જણાવ્યું હતું કે ગાડીમાં સવાર ત્રણ છોકરાને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યાં છે. આ અકસ્માતમાં ભાસ્કરભાઇનું મોત થયું છે, જ્યારે તેમની દીકરી ઝરણાની હાલત નાજુક છે તેમજ દીકરાને સામાન્ય ઈજા પહોંચી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.