સુરતમાં ત્યજી દેવાયેલી 1 દિવસની બાળકીને કીડીઓએ કરડી ખાધા બાદ મોત
સુરતના કતારગામ ખાતેના બાળાશ્રમ બહાર ગત સોમવારે સવારે કીડીના ઢગલામાં ત્યજી દેવાયેલી નવજાત બાળકીનું આખરે મોત નીપજ્યું છે. ગંભીર હાલતમાં તરછોડી દેવાયેલી બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન મંગળવારે તેનું મોત નિપજ્યું હતું. ત્યારે કતારગામ પોલીસે તપાસ કરતા મહારાષ્ટ્રની 16 વર્ષીય કિશોરી કુંવારી માતા બનતા બાળકીને ત્યજી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.કતારગામ મહાજન અનાથ બાળાશ્રમ બહાર સોમવારે વહેલી સવારે કોઈ નિષ્ઠુર જનેતા પોતાનું પાપ છૂપાવવા માટે નવજાત બાળકીને તરછોડી જતી રહી હતી. સવારે એક રાહદારીની નજર કપડામાં લપેટીને કીડીના ઢગલા વચ્ચે પડેલી અને કીડી કરડતી હોવાથી રડી રહેલી બાળકી પર પડી હતી. રાહદારીએ 108ને જાણ કરતા બાળકીને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને એનઆઈસીયુ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.
ટૂંકી સારવાર બાદ બાળકીનું આખરે મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં કતારગામ પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ એક રિક્ષાના આધારે કતારગામ પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી અને હાલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, ત્યજી દેવાયેલી બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજતા 304ની કલમનો ઉમરો કરવામાં આવ્યો છે. કતારગામ પોલીસે આરોપીઓની શોધખોળ કરવા માટે ઘણા સીસીટીવી તપાસ કર્યા હતા. જેમાં એક રિક્ષાના આધારે પોલીસ રિક્ષાચાલક સુધી પહોંચી હતી અને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.વધુમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના દંપતીને એક 16 વર્ષની દીકરી છે. કિશોરીના લગ્ન થયા નથી અને તે પ્રેગનન્ટ થઈ ગઈ હતી. જેથી સુરત તે ડિલિવરી કરાવવા માટે આવ્યા હતા. ડિલિવરી એક પ્રાઇવેટ નર્સિંગમાં કરાવવામાં આવી હતી. જ્યા બાળકીને જન્મ આપ્યો હતો. જેથી એક રિક્ષાવાળાને બોલાવી બાળકીને આશ્રમ બહાર મૂકાવી દીધી હતી. હાલ આ કિશોરીના માતા-પિતા, રિક્ષાચાલક અને કિશોરીની ડિલિવરી કરાવનાર ડોક્ટર અને એક નર્સની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ બાદ તેમની અટક કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.