૮૦ ટકા નાની કંપનીઓ કર્મચારીઓને પગાર ચૂકવી શકે તેમ નથી
રખેવાળ, નવી દિલ્હી
લોકડાઉન મુદત વધવાથી દેશભરની ૮૦ ટકા નાની કંપનીઓ પોતાના કર્મચારીઓને એપ્રિલ મહિનાનો પગાર ચૂકવવા માટે સક્ષમ નથી. આઇએમએસએમઇના ચેરમેન રાજીવ ચાવલાએ પત્રકારોને જણાવ્યું કે લોકડાઉનની મુદત વધવાની સૌથી ખરાબ અસર નાની કંપનીઓને થઇ છે. એપ્રિલમાં આખો મહિનો ઉત્પાદન ઠપ રહેવાના કારણે આમ થયું છે. આના લીધે દેશની ૮૦ ટકાથી વધારે કંપનીઓ હવે એ સ્થિતિમાં નથી તે પોતાના કામદારો અને મજૂરોને એપ્રિલ મહિનાનો આખો પગાર ચૂકવી શકે. લગભગ પ૦ ટકા નાની કંપનીઓ બેંક પાસેથી લોન લઇને પગારનો અમુક ભાગ ચૂકવવાની તૈયારીઓ કરી રહી છે. મહામારીના કારણે ઉભી થયેલી અણધારી પરિસ્થિતિમાં દેશની ૩૬ ટકા કંપનીઓએ પગાર વધારો રોકી દીધો છે. કેટલીક કંપનીઓએ આ મુશ્કેલીના સમયમાં નવી ભરતી બંધ કરી છે તો કેટલીક કંપનીઓએ પગાર વધારો રોકવાનો પણ નિર્ણય કર્યો છે.