રાજકોટ જિલ્લામાં 40 દીપડા 5 જગ્યાએ પાંજરા મૂકાયા : લોકોએ સતર્ક રહેવું: વન વિભાગનાં અધિકારી
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી દિપડાની દહેશત જોવા મળી રહી છે. જેને લીધે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટના વન વિભાગના અધિકારીનું કહેવું છે કે, રાજકોટ શહેર અને જિલ્લામાં 40 જેટલા દીપડા છે પરંતું દિપડા દ્વારા અત્યાર સુધીમાં એકમાત્ર બેડલા ગામે પશુનું મારણ કર્યુ છે. જોકે, લોકોએ સતર્ક રહેવું જરૂરી છે.રાજકોટ જિલ્લાના વન વિભાગના અધિકારી તુષાર પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 40 જેટલા દીપડા છે જોકે હાલ કોઈ લોકો પર દીપડાએ હુમલો કર્યો નથી. ગઈકાલે બેડલા ગામે એક પશુનું દીપડાએ મારણ કર્યું હતું આ સિવાય અન્ય કોઈ જગ્યાએ દીપડાએ હૂમલો કર્યો નથી.
તેમણે જણાવ્યું હતું કે, દિપડાને પકડવા માટે મૂંજકા, પોલીસ હેડ ક્વાટર, બેડલા ગામ સહિત 5 જગ્યાએ પાંજરું મૂકવામાં આવ્યુ છે. જોકે લોકો સતર્ક રહે તે જરૂરી છે. રાજકોટ શહેરના કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ પર રાત્રિના સમયે જરૂર ન હોય તો લોકોએ ઘરની બહાર ન નીકળવું જોઈએ.રાજકોટ શહેર જિલ્લામાં છેલ્લા 15 દિવસથી દીપડાની દહેશતને લીધે લોકોમાં ફફડાટ જોવા મળી રહયો છે. જોકે આ સાથે જ અનેક જગ્યાએ દિપડો દેખાયાના સમાચારો મળી રહ્યાં છે તે અફવાઓ છે. જેથી આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા પણ વન વિભાગના અધિકારીએ સલાહ આપી હતી.