1 વર્ષ પહેલાં થયેલી હત્યાનો બદલો લેવા 4 લોકોએ યુવકનું કર્યું મર્ડર; સરદારનગર પોલીસે કરી 2 ની ધરપકડ

ગુજરાત
ગુજરાત

શહેરના સરદારનગર પોલીસ દ્વારા હત્યાના એક ગુણને ઉકેલવામાં સફળતા મળી છે જેમાં પોલીસે 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ ઘટનાની વાત કરીએ તો સરદારનગર વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા અને અગાઉના ઝઘડાની અદાવતમાં થયેલી હત્યાના ગુનામાં સામેલ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. સરદારનગરમાં જ એક વર્ષ પહેલા થયેલી હત્યાની અદાવત રાખીને આ ગુનાને અંજામ આપવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ગુનામાં ફરાર અન્ય બે આરોપીઓની શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

સરદારનગર પોલીસ દ્વારા રવિ મોહન પરમાર અને અજય મોહન પરમાર નામના બે ભાઈઓની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. આ બંને ભાઈઓ સહિત અન્ય નરેશ પરમાર અને ભરત પરમાર નામના શખ્સોએ ભેગા મળીને 13 જુલાઈના રોજ મોડી રાત્રે પ્રિન્સ વાઘેલા નામના યુવકની હત્યાને અંજામ આપ્યો હતો. જે મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. મૃતક પ્રિન્સ છેલ્લા એક વર્ષથી મહેસાણામાં રહેતો હતો. જોકે તેની માતાને ઘર બદલવું હોય પૈસાની જરૂર હોવાથી સરદારનગરમાં મામાના ત્યાં 12 જુલાઈએ આવ્યો હતો,

જે દરમિયાન રાતના સમયે આરોપીઓએ તેને વિસ્તારમાં જોઈને માર મારી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. આ મામલે મૃતકની માતા આશાબેન વાઘેલાએ ફરિયાદ નોંધાવતા બે આરોપીઓને પકડવામાં આવ્યા છે. આ કેસમાં હત્યાના ગુનામાં સામેલ અજય પરમાર અગાઉ બે વખત મારામારીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાનું તપાસમાં ખૂલ્યું છે. હાલ તો પોલીસે ગુનામાં સામેલ ફરાર બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ કેસમાં વિસ્તારમાં વર્ચસ્વ વધારવા અને બદલો લેવા માટે આ ગુનાને અંજામ અપાયો હોય પોલીસે પકડાયેલા આરોપીઓની વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે.

પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓની તપાસ કરતાં સામે આવ્યું કે, એક વર્ષ પહેલા આ ઘટનાનો મૃતક પ્રિન્સ વાઘેલા અને તેની સાથેના કેશાજી વાઘેલા, કાળુભાઈ વાઘેલા તેમજ શંકર વાઘેલા આ ચાર જણાએ ભેગા મળીને ગોપી પરમાર નામના યુવકની 5 જૂન 2023ના રોજ હત્યાને અંજામ આપ્યો હતો. તે સમયે ભરત પરમારને પાડોશમાં રહેતા કાળુભાઈ વાઘેલાની પત્ની સાથે ટેલિફોનિક વાતચીત કરતા પકડાઈ જતા ઝઘડો થયો હતો. સમાજની પંચાયત બેસાડી સમાધાન કર્યું હતું અને જેના કારણે ભારત પરમારે મકાન પણ બદલી નાખ્યું હતું. જોકે બાદમાં તેઓ વિસ્તારમાં પરત જતા ઝઘડો થતાં ચારે જણાએ ભેગા મળીને મારામારી કરતા ગોપી પરમારનું મોત થયું હતું. જે મામલે ભરત પરમારે પ્રિન્સ સહિતના 4 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પ્રિન્સ તે સમયે સગીર હોય પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થઈ ગયો હતો અને માતા સાથે મહેસાણા રહેતો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.