વડોદરામાં કોરોનાથી વધુ ૪ દર્દીના મોત, પોઝિટિવ કેસની સંખ્યા ૯૯૫ ઉપર પહોંચી
વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન વધુ ૪ દર્દીઓના મોત થયા છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં ૫૫ વર્ષીય પ્રકાશ ગોપાલભાઇ પટેલ(રહે કાછીયાપોળ રાજમહેલ રોડ)નું કોરોનાથી મોત થયું છે. જ્યારે નસવાડીની ૨૨ વર્ષીય યુવતી પિન્કલબેન રાઠવા(રહે નસવાડી)નું ગોત્રી હોસ્પિટલમાં મોતમાં સારવાર દરમિયાન મોત થયું છે. આ ઉપરાંત ૭૮ વર્ષીય રણછોડભાઇ શાહ(વાઘોડિયા રોડ)નું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. ફાયર બ્રિગેડની ટીમ ત્રણેય દર્દીઓના મૃતદેહોને ખાસવાડી સ્મશાન ખાતે લઇ ગઇ હતી અને સરકારની ગાઇડલાઇન પ્રમાણે અંતિમ સંસ્કાર કર્યાં હતા. આ ઉપરાંત ગોધરાના એક કોરોના પોઝિટિવ દર્દીનું વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત થયું છે. ગોધરાની મોદીની વાડી-૧ વિસ્તારના ૬૫ વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો.
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના કેસની કુલ સંખ્યા ૯૯૫ ઉપર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં સત્તાવાર ૪૨ દર્દીઓના મોત થયા છે. તો કુલ ૫૭૮ લોકો કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. વડોદરામાં અત્યારે ૪૮,૮૭૯ લોકો રેડ ઝોનમાં છે અને ૭૦૮૫૧ લોકો ઓરેન્જ ઝોનમાં છે. આ ઉપરાંત ૧૬૧૬ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૬૦૯ લોકો હોમ ક્વોરન્ટીન છે, જ્યારે ૭ લોકો પ્રાઈવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.