દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ વે પરથી વડોદરાથી ભરૂચ તરફ આવતી ઈનોવા ગાડીમાં ડ્રગ્સનો જથ્થો લવાતો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ટેક્સી પાસિંગની ગાડી ઝડપી પાડી તેની તપાસ કરતા નશાકારક ૧૮૦ ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડયું હતું. જેની કિંમત ૧૮ લાખ થાય છે. આ ઉપરાંત અંગજડતીમાં રોકડ વગેરે મળી ૨૦.૨૨ લાખના મુદ્દામાલ સાથે ૩ લોકોને પકડી લીધા હતા.
દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ વે ઉપર વડોદરાથી ભરૂચ તરફ સફેદ ઈનોવા ગાડીમાં કેટલાક ઈસમો માદક કેફી પદાર્થ લઈ વેચાણ માટે હેરાફેરી કરતા હોવાની બાતમી ભરૂચ તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રકૃતિ ઝણકાટને મળી હતી. તેઓએ પોલીસ સ્ટાફ સાથે એક્સપ્રેસ વે ઉપર વોચ ગોઠવી હતી. જે દરમિયાન શંકાસ્પદ ગાડીને રોકી તપાશી લેતા તેમાંથી ૧૮૦ ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું હતું.
એક ગ્રામ એમડી ડ્રગ્સની કિંમત ૧૦ હજાર થાય છે. પોલીસે ઈલ્યાસ અલીહુશેન મલેક (રહે. નવી નગરી, શાલીમાર સોસાયટી, નજીક દેરોલ ગામ), અશરફ બસીર ઈદ્રીશ મુન્શી (રહે. શાલીમાર સોસાયટી, દેરોલ ગામ, ભરૂચ) તેમજ હનીફ અનવર જેસંગ રાજ (રહે. નવી નગરી, અંબાજી માતાના મંદિર નજીક, દેરોલ ગામ, ભરૂચ) ને ઝડપી લીધા હતા. ઈલ્યાસ અલીહુશેન મલેક ગંભીર ગુનાનો આરોપી છે. તેની સામે વર્ષ ૨૦૨૨ માં એ ડિવિઝન પોલીસ મથકમાં પણ એનડીપીએસનો ગુનો દાખલ થયો છે. કાવી પોલીસ સ્ટેશનમાં તેની સામે ૨૦૨૩ માં બળાત્કાર, સાયબર એક્ટ સહિતનો ગુનો દાખલ છે.