નર્મદા ડેમમાંથી 2.30 લાખ ક્યૂસેક પાણી છોડાતા ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી 18 ફૂટે પહોંચી

ગુજરાત
ગુજરાત

ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે નર્મદા ડેમની સપાટી 136.78 મીટરે પહોંચી છે. નર્મદા ડેમના 10 ગેટ 1.5 મીટર સુધી ખોલીને 2.30 ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે. જેને પગલે ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી 18 ફૂટે પહોંચી છે. ડેમમાંથી 4 લાખ ક્યૂસેક પાણી છોડવાની સંભાવનાને લઇને ગોલ્ડન બ્રિજે નર્મદાની સપાટી 22 ફૂટના વોર્નિંગ લેવલને વટાવે તેવી શક્યતા છે. નદીમાં પાણીની સપાટી વધવાને પગલે વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના 52 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમ ખાતે CHPHના 5 ટર્બાઇન અને RBPHના 6 ટર્બાઇન હાલ ચાલુ છે.

નર્મદા કાંઠાના ઝઘડિયા, અંકલેશ્વર, ભરૂચ અને વાગરાના નદી કાંઠાના 23 ગામોને અલર્ટ રહેવા તાકીદ કરીને ગામના તલાટી તેમજ સંરપચ સ્થિતિ પર નજર રાખવા તંત્રે સૂચના આપી છે. સરદાર સરોવર જળાશયમાંથી ક્રમશ: 4 લાખ ક્યૂસેક પાણી છોડવાની જાણકારી નર્મદા નિગમ દ્વારા વડોદરા જિલ્લા વહીવટી તંત્રને આપવામાં આવી છે. ભરૂચ જિલ્લા ચાર તાલુકાઓના સંબંધિત પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને પોલીસ તંત્રને કાંઠાના ગામો અને ખાસ કરીને આ ગામોના નીચાણ વાળા વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

વડોદરા જિલ્લામાં નર્મદા નદી શિનોર, ડભોઇ અને કરજણ તાલુકામાંથી પસાર થાય છે. આ પૈકી કરજણ તાલુકાના પુરા, આલમપુરા, લીલાઇપુરા, નાની અને મોટી કોરલ તેમજ જૂના શાયર ગામ, ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા અને શિનોર તાલુકાના મઢી દેવસ્થાન, અનસૂયા મંદિર, માલસર અને બરકાલ નર્મદા કાંઠે આવેલા છે. સંબંધિત ગામોના સરપંચો અને તલાટીઓને પણ તમામ પ્રકારની તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે.

ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી બુધવારે વોર્નિંગ લેવલ 22 ફૂટ વટાવે તેવી શક્યતાને પગલે તંત્ર એકશનમાં આવી ગયું છે. નદીની સપાટી વધે તે પહેલા જ ગોલ્ડન બ્રિજ સ્થિત નદી કિનારાના ઝૂંપડાવાસીઓને ખસેડવાની કવાયત કરાશે.નદીની સપાટી 28 ફૂટે પહોંચે, ત્યારે જ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી પ્રવેશશે. હાલના તબક્કે શહેરમાં કોઇ ચિંતાજનક બાબત નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.