હવે રાજ્યના ગુમ માછીમાર સહિત પરિવારને લીલાલહેર, CM રૂપાણીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત
લાપતા માછીમારોને લઈને રાજ્યના CM રૂપાણીએ એક મોટી જાહેરાત કરી છે. ગુજરાતના ૨૦૦થી વધુ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. થોડા દિવસ અગાઉ ભારત અને પાકિસ્તાને પોતપોતાના દેશોની જેલોમાં બંધ કેદીઓની યાદી એકબીજાને સોંપી હતી. પાકિસ્તાને પોતાની જેલમાં બંધ ૫૫ ભારતીય નાગરિકો અને ૨૨૭ માછીમારીની યાદી ભારતને સોંપી છે. ભારતે માછીમારોને જલ્દીથી જલ્દી મુક્ત કરવાની માંગ કરી છે. ત્યારે પાકિસ્તાન જેલમાં રહેલા માછીમારો મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે.
મુખ્યમંત્રી રૂપાણીએ લાપતા માછીમારને લઈને એક મહત્વપૂર્ણ નિવેદનમાં જણાવ્યું હતું કે, હવેથી લાપતા માછીમાર એક વર્ષ સુધી પાછો ન આવે તો રાજ્ય સરકાર તેના પરિવારને સહાય કરશે. આવા માછીમારોને મૃત્યુ પામેલો જાહેર કરીને તેના પરિવારને સહાય ચૂકવવામાં આવશે. માછીમારોના પરિવારને રૂપિયા ૨ લાખની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી.
સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન વારંવાર માછીમારોનું અપહરણ કરે છે. પાકિસ્તાનની જેલમાં રહેલા માછીમારોના પરિવારને રાજ્ય સરકાર પ્રતિ દિન રૂપિયા ૩૦૦ની સહાય ચૂકવશે. જ્યારે માછીમાર એક વર્ષ સુધી ઘરે પાછો ન ફરે તો તેને મૃત્યુ પામેલો જાહેર કપીને તેના પરિવારને રૂપિયા ૨ લાખ અપાશે. અત્યારે પાકિસ્તાન જેલમાં ૨૧૮ માછીમારો છે. પાક. જેલમાં રહેલા માછીમારોને છોડાવા કેન્દ્રની મદદ લેવાશે.
બીજી બાજુ CM રૂપાણીએ માછીમારોને સાવચેત કર્યા છે. રૂપાણીએ માછીમારી કરતા ભાઈઓને લઈને જણાવ્યું છે કે, પાકિસ્તાન અને ગુજરાતનો દરિયો એક જ છે. ભૂલમાં આપણે પાક.ની હદમાં જતા રહિએ છીએ. જેના કારણે પાકિસ્તાન આપણી બોટ જપ્ત કરે છે અને આપણી બોટનો ઉપયોગ આતંકી હુમલામાં કરે છે. પાકિસ્તાન અને ગુજરાત એકબીજાની નજીક છે તેમનો અને આપણો દરિયો પણ એક જ છે. એટલે આપણા ભોળા માછીમારી ભાઈઓ માછલીની લાલચમાં આપણે પાકિસ્તાનની હદમાં જતા રહીએ છીએ. જેના કારણે પાકિસ્તાન આપણી બોટો જપ્ત કરે છે.
સીએમ રૂપાણીએ મુંબઈ હુમલાની વાત કરતા જણાવ્યું કે, મુંબઈમાં આંતકવાદી હુમલો થયો ત્યારે આપણી જ બોટનો ઉપયોગ થયો હતો. આપણી બોટોનો ઉપયોગ ન થાય તેની સુરક્ષાની દ્રષ્ટિએ સાવચેતી રાખીશું.