સુરતમાં ૨૯ કલાક બાદ રઘુવીર માર્કેટમાં ફરી લાગેલી આગ પર કાબૂ મેળવાયો, જીવના જોખમે ફાયરના જવાનોની કામગીરી

ગુજરાત
ગુજરાત

સુરતઃ કુંભારિયા ચાર રસ્તા પાસે રઘુવીર સિલિયમ માર્કેટમાં મંગળવારે મળસ્કે ૩ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગને બ્રિગેડ કોલ જાહેર કરાતાં ફાયર બિગ્રેડની ૭૦થી વધુ ગાડીઓ સાથે ૫૦૦થી વધુ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. ચાર કરોડ લીટર પાણી વપરાયા બાદ પાલિકા કમિશનર બંછાનિધી પાનીના જણાવ્યા પ્રમાણે રાત્રે સાડા બાર વાગ્યે આગ પર કાબૂ મેળવાયો હતો. દરમિયાન ૨૯ કલાક બાદ રહી રહીને આગ લાગી હતી. જેના પર ફાયર વિભાગના જવાનોએ કાબૂ મેળવી લીધો છે. જોકે, ફાયરના જવાનો જીવના જોખમે કામગીરી કરી રહ્યા છે.
     કુંભારીયા ચાર રસ્તા પાસે રઘુવીર સિલિયમ માર્કેટમાં મંગળવારે મળસ્કે ૩ વાગ્યાની આસપાસ લાગેલી આગ ૨૯ કલાકે પણ રહી રહીને આગ લાગી રહી છે. ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી ચાલી રહી છે. ઈમારતની અંદરનું તાપમાન વધુ હોવાના કારણે ફાયરના જવાનોને ઈમારતમાં પ્રવેશી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
     આજે સવારે રઘુવીર માર્કેટ ખાતે પહોંચેલા પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આગ પર સાડા બાર વાગ્યે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, સિન્થેટીક કાપડના કારણે રહી રહીને આગ લાગી રહી છે. હાલ ફાયરના જવાનો સ્ટેન્ડ બાય છે અને કુલિંગની કામગીરી કરી રહ્યા છે. આજે એક બેઠક પણ બોલાવવામાં આવી છે. જેમાં માર્કેટના એલિવેશન અને ફાયર સેફ્ટીને લઈને ચર્ચા કરવામાં આવી છે.
    ફાયરના જવાનોએ જણાવ્યું હતું કે, આગના કારણે ઈમારતના સ્ટ્રક્ચરને નુકસાન થયું છે અને આ આગના કારણે ઈમારતનું તાપમાન પણ વધી ગયું છે. હાલ પણ આગની જવાળાઓના કારણે ફાયરના જવાનો ઈમારતની અંદર પ્રવેશી જીવના જોખમે કુલિંગની કામગીરી કરી રહ્યા છે. આ કામગીરી અંદાજે હજુ સાંજ સુધી ચાલશે.
     રઘુવીર માર્કેટમાં આગની ઘટનાને ૩૦ કલાકથી વધુ સમય થયા છતાં આગ પર કાબૂ મેળવી નહીં શકાતાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. એક અંદાજ પ્રમાણે ૩૦૦ કરોડનો માલ ખાક થઈ ગયો હોવાનું અનુમાન છે. બિલ્ડિંગની પ્રથમ વીંગ ભસ્મીભૂત થઈ છે, ત્યારે પાલિકાએ બિલ્ડીંગની બીયુસી રદ્દ કરી છે, તેમજ આગ બૂઝાયા બાદ બિલ્ડીંગને સીલ કરવા પણ કામગીરી માટે સૂચન આપી દીધા છે.
     ૬૫૦ ડિગ્રી તાપમાન હોય તો એલ્યુમિનિયમ પિગળવા લાગે છે. આ બિલ્ડિંગના એલિવેશનમાં મોટાભાગે એલ્યુમિનિયમ હોવાથી કલાકોની ગરમી બાદ એલ્યુમિનિયમ પડવા લાગ્યું હતું. જોકે, ૬૫૦ ડિગ્રી તાપમાન વચ્ચે ફાયરની દિલધડક કામગીરી ચાલી રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.