વડોદરા : પોઝિટિવ કેસનો આંક ૭૫૦ પર પહોંચ્યો, મૃત્યુઆંક ૩૬ અને રિકવરી આંક ૪૫૩ થયો
રખેવાળ, વડોદરા
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંક ૭૫૦ પર પહોંચ્યો છે.વધુ એક દર્દીના મોત સાથે મૃત્યુઆંક ૩૬ ઉપર પહોંચ્યો છે. વડોદરામાં ગતરોજ વધુ ૧૨ દર્દીઓ કોરોના મુક્ત થતાં વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૪૫૩ દર્દી સાજા થયા છે. હાલમાં વિવિધ હોસ્પિટલોમાં કોરોનાની ૨૫૦ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે, તે પૈકી ૧૪ની હાલત હજી પણ ચિંતાજનક છે, જે પૈકી ૮ને ઓક્સિજન પર અને ૬ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
વડોદરામાં કોરોનાગ્રસ્ત ભાનુબેન મિસ્ત્રી (ઉ.વ.આ.૫૯) રહે. દયાલભાઉનો ખાચો, રાજમહેલ રોડનું મોત નીપજ્યું છે. ભાનુબેનની સારવાર ગોત્રી જનરલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. સારવાર દરમિયાન આજે તેમનું મોત નીપજતાં અંતિમ વિધિ કરવામાં આવી હતી.
એક તારીખ સુધી દરેક ફૂટની દુકાનો બંધ કરવાનુ જાહેર કરવામાં આવ્યું હતું. છતાં દુકાનો ખોલતા આજે વડોદરા મહાનગર પાલિકાની ટીમ દ્વારા દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને અટકાવવા માટે ખંડેરાવ માર્કેટ ખાતેના ફ્રૂટ બજાર અને શાકભાજી માર્કેટ બંધ રાખવામાં આવ્યા છે.
ભાઇલાલ અમીન હોસ્પિટલમાં વધુ ૬ કોરોનાગ્રસ્ત
ભાઇલાલ અમીન હોસ્પિટલમાં ફરજ બજાવતાં ન્યૂ સમા રોડ વિસ્તારમાં રહેતાં સુષ્માબેન ખ્રિસ્તિ, નવાયાર્ડ વિસ્તારમાં રહેતાં સુમન ચૌહાણ, ગોરવા વાલ્મીકિનગરમાં રહેતાં સવિતાબેન સોલંકી, ગોરવા શાકમાર્કેટ પાસે રહેતા વિજય માઇકલ, મૂળ અમદાવાદની પણ હાલમાં વડોદરામાં રહેતાં જિજ્ઞાસા ત્રિવેદી અને સમતાના સંજય મકવાણા સહિત ૧૦ પોઝિટિવ દર્દીઓ ભાઇલાલ અમીન હોસ્પિટલમાં કાર્યરત હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાઇલાલ અમીન હોસ્પિટલ બંધ કરતાં કેટલાક કર્મચારીઓને ફરજિયાત રજા પર ઉતારી દેવાયા છે અને હોસ્પિટલમાં ન આવવાનું જણાવાયું છે. બીજી તરફ જે પોઝિટિવ આવ્યા છે તેમને હાલમાં હોસ્પિટલમાં જ સારવાર માટે રાખ્યા હોવાનું જાણવા મળે છે. જોકે હોસ્પિટલની આ તમામ બાબતો વિશે કોઇ સત્તાવાર સ્પષ્ટતા હોસ્પિટલ દ્વારા કરવામાં આવી નથી. નવા નોંધાયેલા કેસ પાણીગેટમાં ૨ અને વાડીમાં ૩ પોઝિટિવ કેસો અને નાગરવાડા, સમતા, ગોરવા, કાછિયાવાડમાં પણ નવા કોરોના પોઝિટિવ કેસો આવ્યા હોવાનું જાણવા મળે છે.